Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: રીકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધાઈ હતી. સીસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી અંદાજે 55 કિમી દૂર નોંધાયું હતું. રાત્રે 1.22 વાગ્યે ધરતી ધ્રુજતા લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો

Kutch Earthquake:કચ્છના ખાવડામા મોડી રાત્રે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 4.1 મપાઇ છે. ભૂકંપનું એપિસેન્ટર ખાવડાથી 55 કિમી દૂર નોંધાયું છે. ભૂકંપનો આંચકો રાત્રે 1 વાગ્યે 22 મિનિટે અનુભવાયો હતો. ગઈકાલે રાપર, ભચાઉ નજીક પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક સમયથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. ગત મોડી રાત્રે કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 1.22 વાગ્યે ધરતી ધ્રુજતા લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો ઘરની બહાર ભાગ્યા હતા.આ પહેલા સતત બેથી ત્રણ દિવસ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા અહીં 12 કલાકમાં 3થી વધુ વખત ભૂકંપના આચકા અનુભવાયા હતા.
ઉલ્લેખનિય છે કે, અગાઉ 26 અને 27 ડિસેમ્બરના રોજ કચ્છ જિલ્લામાં ચાર વખત ભૂકંપના આંચકા નોંધાયા હતા. જેમાં 26 ડિસેમ્બરે રાપર વિસ્તારમાં બે વખત અને 27 ડિસેમ્બરે ફરી બે વખત ધરતી ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 26 ડિસેમ્બરે નોંધાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 જેટલી હોવાથી લોકોમાં ચિંતા વધી હતી. અચાનક આવેલા આ આંચકાના કારણે ઘણા લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા.
શું રાજ્યમાં આવી શકે છે વિનાશકારી ભૂકંપ
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અને હિમાચલ પ્રદેશની મહારાજા અગ્રસેન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસ મુજબ, રાજ્યની નીચે અનેક ફોલ્ટ લાઇનો એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, જેના કારણે વારંવાર ધ્રુજારી અને ભૂકંપ આવે છે. આ અભ્યાસનું તારણ 2001ના વિનાશક ભૂકંપની 25મી વર્ષગાંઠના લગભગ એક મહિના પહેલા આવ્યું હતું. . ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આ અભ્યાસના આધારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
આ અહેવાલ મુજબ, સંશોધકોએ 2008 થી 2024 સુધી નોંધાયેલા 1,300 થી વધુ ભૂકંપનું વિશ્લેષણ કર્યું હતું. આનો અર્થ એ થયો કે આ 16 વર્ષ દરમિયાન, આ પ્રદેશમાં દર વર્ષે આશરે 81 ભૂકંપ અનુભવાયા હતા. આ ડેટા 56 કાયમી અને 20 કામચલાઉ ભૂકંપ મથકો પરથી મેળવવામાં આવ્યો હતો.
ભૂસ્તરીય રીતે કચ્છ રિફ્ટ બેસિન તરીકે ઓળખાતો આ પ્રદેશ ગુજરાતના બાકીના ભાગ કરતાં નોંધપાત્ર રીતે ક્રસ્ટલ ડિફોર્મેશન દર્શાવે છે. નોંધપાત્ર રીતે, આ ડિફોર્મેશન કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ, દક્ષિણ વાગડ ફોલ્ટ, અલ્લાહ બુંદ ફોલ્ટ અને ગેડી ફોલ્ટ જેવા મુખ્ય સક્રિય ફોલ્ટ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. ભૂતકાળમાં આ ફોલ્ટ સિસ્ટમ્સ મોટા ભૂકંપ માટે જવાબદાર રહી છે. અભ્યાસો અનુસાર, આ પ્રદેશમાં રિક્ટર સ્કેલ પર 6 કે તેથી વધુ તીવ્રતાના ઓછામાં ઓછા ચાર ભૂકંપ નોંધાયા છે. 1819 માં, અલ્લાહ બુંદમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે 2001 માં, 7.7 ની તીવ્રતાનો ભૂકંપે કચ્છ અને ગુજરાતને હચમચાવી દીધું હતું.
સંશોધકો માને છે કે, ટૂંકા ગાળામાં, આ તારણો સમજાવે છે કે, રાજ્યના અમુક ભાગો ભૂકંપ માટે વધુ સંવેદનશીલ છે. કચ્છ જેવા પ્રદેશો ભવિષ્યમાં ભૂકંપની દ્રષ્ટિએ સક્રિય રહેશે. આનું કારણ એ છે કે મર્યાદિત વિસ્તારમાં બહુવિધ ફોલ્ટસ જે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, જેના કારણે પોપડામાં જટિલ અને સતત દબાણ જમા થાય છે.જેના કારણે ભૂકંપ અનુભવાય છે.





















