(Source: ECI/ABP News/ABP Majha)
ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, સવારથી અત્યાર સુધીમાં 45 તાલુકામાં વરસાદ, સૌથી વધુ માણાવદર તાલુકામાં
અમદાવાદ અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.
Gujarat Rain: ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે સવારથી જ સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.
સવારથી અત્યાર સુધીમાં માણાવદર તાલુકામાં બે કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો છે તો ઉમરગામ, મેંદરડા અને પલસાણામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. ભાણવડ, કુતિયાણા, જાફરાબાદમાં વરસાદ પડ્યો છે તો જેતપુર, ગણદેવી, વાપીમાં પણ વરસાદ પડ્યો છે.
સંઘપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે દિવસભર વાદળછાયું વાતાવરણ હતું. દિવસે જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. રાત્રે વાપી અને દમણમાં પણ વરસાદ પડ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે જ્યારે ઉમરગામમાં મધરાત બાદ ભારે વરસાદ પડ્યો હતો. વાપીમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. સંઘપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. વલસાડમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.
વલસાડ જિલ્લામાં નોંધાયેલ વરસાદ
ઉમરગામ -5.63 ઇંચ
વાપી- 1.5 ઇંચ
કપરાડા - 1 ઇંચ
પારડી- 0.5 ઇંચ
વલસાડ - 0.4 ઇંચ
ચોમાસામા આગમન સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત શહેરના અનેક વિસ્તારમાં આજે સવારથી વરસાદ શરુ થયો છે. શહેરના વેસુ, પીપલોદ, ઉમરા, યુનિવર્સિટી રોડ, ડુમસ રોડ, ઉધના, પાંડેસરા, પાલ અડાજણ સહિતના વિસ્તારમાં વરસાદ વહેલી સવારથી વરસાદ શરુ થયો છે.
રાજકોટમાં વરસાદ
રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ શરુ થયો છે. આજે સવારથી જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની શરુઆતમાં જ સારો વરસાદ થવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અત્યારે પડતા વરસાદના કારણે મગફળી, કપાસ, સોયાબિન સહિતના પાકને ફાયદો થશે.
મુંબઈ, દિલ્લીમાં એક સાથે ચોમાસાની દસ્તક
દેશભરમાં પ્રિ મોન્સૂન અને ચોમાસાના કારણે વરસાદ વરસી રહ્યો છે. મુંબઈ, દિલ્લી, યૂપીથી લઈને બિહાર સુધી તો આ તરફ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે દિલ્લી અને મુંબઈમાં 62 વર્ષ બાદ એક સાથે ચોમાસાનું આગમન થયું છે. કેટલાક રાજ્યમાં આગામી બે ત્રણ દિવસમાં ચોમાસું દસ્તક દેશે. કેરલ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, છતીસગઢ સહિતના રાજ્યમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે. હિમાચલમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વરસાદથી કેટલાક વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. પીવાના પાણીની યોજના અને વીજળી સેવાને પણ અસર થઈ છે. તો મંડીમાં તો મૂશળધાર વરસાદ વરસ્યો છે. જેના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે હજુ પણ એક સપ્તાહ સુધી ભારે વરસાદ વરસવાનું અનુમાન છે. સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
ઉત્તરાખંડમાં 4 દિવસ ભારે પવન અને વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. સાથે જ 29 જૂને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દહેરાદૂન, ઉત્તરકાશી, નીતાલ, ટીહરી, બાગેશ્વર અને પિથૌરગઢમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. બિહાર, ઓડિશા, અસર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને આંધપ્રદેશ, કેરળ સહિતના રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે.