Sutrapada Rain: ગીર સોમનાથના સુત્રાપાડામાં પાણી-પાણી, અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા, ખેડૂતોના પાકોને નુકસાનની ભીતિ
Sutrapada Rain: ગીર સોમનાથમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, તાજા અપડેટ પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ભારે વરસાદ વરસ્યો છે

Sutrapada Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકથી અનેક ઠેકાણે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજુ આગામી એક અઠવાડિયા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ અને હવામાનકારોના મતે અરબી સમુદ્રમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે, જેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ગઇ રાતથી ગીર સોમનાથના સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે ચારથી છ વાગ્યા દરમિયાન એટલે કે બે જ કલાકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ગીર સોમનાથમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, તાજા અપડેટ પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ભારે વરસાદ વરસ્યો છે. જેમાં ખાસ કરીને સુત્રાપાડાના લોઢવા, પ્રશ્નાવડા, વડોદરા ઝાલા, વાવડી સહિતના ગામોમાં વરસાદે તારાજી સર્જી છે, અચાનક કમોસમી વરસાદથી જિલ્લાના ખેડૂતોના માથે મોટુ સંકટ આવ્યુ છે, મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.
સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ તો જાણે બેટમાં ફેરવાયું હતું. અહીંના કોળીવાડા વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. જેના કારણે પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત અનેક નાના-મોટા વેપારીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસતા વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ગીર ગઢડા તાલુકામાં પણ રાત્રી દરમિયાન મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. વરસાદના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સૂત્રાપાડા તાલુકામાં વરસેલા મુશળધાર વરસાદના કારણે પ્રાંચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા હતા. પ્રાંચી તીર્થમાં બિરાજમાન માધવરાયજી ભગવાન પાણીમાં ગરકાવ થયા હતા. સૂત્રાપાડા સહિત ગીર સોમનાથના તમામ તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
આ તારીખ સુધી માવઠાનું જોર રહેશે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન ને કારણે ગુજરાતમાં આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદ (માવઠા) ની આગાહી કરી છે. આ વરસાદની તીવ્રતા 25 થી 30 ઓક્ટોબર દરમિયાન વધુ રહેશે, જ્યારે 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન તેમાં ઘટાડો થશે. સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાત માં જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં 1 થી 2 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી સહિતના તમામ વિસ્તારોમાં પણ 0.5 થી 1.5 ઇંચ વરસાદની સંભાવના છે. ખેડૂતોને તૈયાર પાકને તાત્કાલિક સાચવી લેવા માટે સાવચેતી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.
માવઠાની તીવ્રતા: 25 થી 30 ઓક્ટોબર દરમિયાન વધુ રહેશે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ અગાઉ આપેલી આગાહી મુજબ, ગુજરાતમાં કમોસમી વરસાદ (માવઠું) આજથી એટલે કે 25 ઓક્ટોબર થી શરૂ થઈ ગયો છે અને તે 2 નવેમ્બર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. આ વરસાદ પાછળનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં ડિપ્રેશનમાં મજબૂત થવાની શક્યતા છે. આ સિસ્ટમ ગુજરાત પાસેથી પસાર થતાં તેનો અસરગ્રસ્ત ઝોન (Shear Zone) રાજ્યના મોટા ભાગ પરથી પસાર થશે. પરેશ ગોસ્વામીના મતે, માવઠાની સૌથી વધુ તીવ્રતા અને અસર 25 થી 30 ઓક્ટોબર સુધી જોવા મળશે. ત્યારબાદ, 31 ઓક્ટોબર, 1 અને 2 નવેમ્બર ના રોજ વરસાદની શક્યતા અને તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે. આ માવઠાનો સૌથી વધુ પ્રભાવ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાત ના વિસ્તારોમાં જોવા મળશે.





















