gujarat: રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર સાયક્લોનિક સરક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવશે. આજે બનાસકાઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરેંદ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. તો આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને આણંદમાં માવઠું પડશે. માવઠાની આગાહીથી ખેડૂતો ચિતામાં છે કારણે કે શિયાળું પાકને નુક્સાન થવાની ભીતિ છે.
બીજી તરફ કમોમસી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીમાં પણ વધારો થયો છે. રવિવારે રાજ્યના 10 શહેરોમાં 15 ડિગ્રીની નીચું તાપમાન નોંધાયું હતું જેમાં ફરી એકવાર નલિયા સૌથી વધુ ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો ડીસામાં 11.4 ડિગ્રી, કેશોદમાં 11.6 ડિગ્રી, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી, રાજકોટમાં 12.3 ડિગ્રી,
ભૂજમાં 12.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં 13.0 ડિગ્રી, અમરેલીમાં13.7 ડિગ્રી અને અમદાવાદમાં 14.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ તરફ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ એક ડિગ્રી પર પહોંચ્યો હતો.
આગામી 24 કલાકમાં દિલ્હીમાં વરસાદ પડી શકે છે. પંજાબ હરિયાણા સહિત કેટલાક રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું. તો આ તરફ દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું જોર યથાવત છે. આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, બિહાર, એમપી, પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાન સહિતના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે.
હવામાન વિભાગે ઉત્તર ભારતના કેટલાક રાજ્યમાં વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી કરી છે. દિલ્હીમાં હજુ પણ ધુમ્મસની સાથે ઠંડીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. ગાઢ ધુમ્મસ વચ્ચે કાતિલ ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. જ્યારે બેઘર લોકો અને રાહદારીઓથી રેન બસેરા હાઉસફુલ થયા છે. ગાઢ ધુમ્મસથી ફ્લાઈટ અને ટ્રેનના શિડ્યુઅલ ખોરવાયા હતા. દિલ્હી જતી 22 ટ્રેન છ કલાક મોડી દોડી રહી છે. તો દિલ્હીમાં નર્સરીથી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે 12 જાન્યુઆરી સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે.