મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
સુરેન્દ્રનગરના થાનમાં નાફેડના ગોડાઉનમાં ભીષણ આગ, 25 હજાર બોરી મગફળી સ્વાહા, પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ માલિક અને અધિકારીઓની તપાસની માંગણી કરી

groundnut godown fire scam: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. આ ઘટના અંગે ગુજરાતના સહકાર ક્ષેત્રના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ મોટું નિવેદન આપ્યું છે. સંઘાણીએ આ આગને સામાન્ય સંજોગોમાં લાગેલી આગ માનવાનો ઇન્કાર કર્યો છે અને આ ઘટના પાછળ કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે. તેમણે ગોડાઉનના માલિક અને સંડોવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની સઘન તપાસ કરવાની માંગણી કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનના હીટરનગર વિસ્તારમાં આજે સવારે 9:30 થી 10:00 વાગ્યાની વચ્ચે નાફેડ દ્વારા ભાડે રાખવામાં આવેલા આઠ ગોડાઉનમાંથી એકમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે સુરેન્દ્રનગર, ધાંગધ્રા, લીંબડી, અને ચોટીલા નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગની ગંભીરતા જોતા રાજકોટથી પણ ફાયર ફાઇટરોને બોલાવવા પડ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રાખેલી આશરે 25,000 બોરી મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી. અંદાજિત લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. આ ગોડાઉન સરકાર દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું અને તેમાં ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી અજ્ઞાત છે, પરંતુ પ્રશાસન દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટના અંગે પ્રતિક્રિયા આપતા દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, "આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી. જ્યારે કૌભાંડ થાય અથવા કૌભાંડને છુપાવવું હોય ત્યારે આગ લગાડવામાં આવે છે." તેમણે ભૂતકાળમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના રિપોર્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તે રિપોર્ટ હજુ સુધી બહાર આવ્યો નથી.
સંઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, "ગોડાઉનના માલિકને કેન્દ્રમાં રાખીને સંપૂર્ણ તપાસ થવી જોઈએ. ગોડાઉનના માલિક, અધિકારીઓ અને કર્મચારીઓની કૌભાંડમાં સંડોવણી હોઈ શકે છે." તેમના આ નિવેદનથી આ ઘટના એક નવો વળાંક લઈ શકે છે અને તપાસની દિશા બદલાઈ શકે છે.
હાલમાં, પ્રશાસન દ્વારા આગ લાગવાના કારણો અને નુકસાનનું આકલન કરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ દિલીપ સંઘાણીના આ ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને શું તપાસ કમિટી કૌભાંડની દિશામાં પણ તપાસ કરશે કે કેમ તે જોવું રહ્યું. આ ઘટનાએ ફરી એકવાર સરકારી ગોડાઉનમાં અગ્નિ સુરક્ષા અને સંગ્રહિત પાકના જતન અંગે સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો....
પાટણ કોલેજમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ મોબાઈલથી રીલ બનાવી વાયરલ કરી, પ્રશાસન સામે સવાલો ઉઠ્યા




















