Gujarat Assembly Election 2022: કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુની મુશ્કેલી વધી, ભાજપે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ
રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું.
રાજકોટઃ રાજકોટ પૂર્વ બેઠક કૉંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.જાહેર સભામા વિવાદીત નિવેદનને લઈ ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ભાજપે ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ કરી છે.ભાજપના ઈલેકશન લિગલ સેલે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો અને આચારસંહિતાના ભંગ બદલ કાર્યવાહી કરવા માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એક સભામાં આપેલા ભાષણના કારણે મોટા વિવાદની શક્યતા છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ઈન્દ્રનિલ રાજ્યગુરુએ અલ્લાહ અને મહાદેવને એક ગણાવ્યા અને દાવો કર્યો કે સોમનાથમાં અલ્લાહ અને અજમેરમાં મહાદેવ બેઠા છે. તો આ સભામાં ઈન્દ્રનિલે અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા હતા.
ઇન્દ્રનીલના આ નિવેદનના કારણે વિવાદ પેદા થયો છે. રાજકોટમાં વિવાદસ્પદ ભાષણ બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ ભાષણનો એક કટકો જ ભાજપે વાયરલ કર્યો છે. તેમણે કહ્યું કે આપણે લોહી ચડાવીએ તો ક્યારેય પૂછતાં નથી કે આ લોહીના કોનું છે. હું ધારાસભ્ય થયો એ પહેલા જંગલેશ્વરમાં તોફાનો થતા. હું એકતામાં માનું છું.
તેમણે સ્પષ્ટતા કરી હતી કે હું સર્વધર્મ સમભાવની વાત કરતો હતો. કોઇ પણ ધર્મ અને સંપ્રદાયનું અપમાન નહોતો કરવા માંગતો. મોરારી બાપુ અલ્લાહનો નારો લગાવે ત્યારે કેમ કોઇ વાંધો નહીં.
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે લોહી કાઢો ત્યારે બધું એક જ છે એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય.હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેરમાં પણ એટલો જ આનંદ આવે છે. અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે.ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપ અને સાધુ સંતોએ વાંધો ઉઠાવ્યો છે. રાજકોટ પૂર્વથી ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે કહ્યું હતું કે હિંદુ સમાજ માટે આઘાતજનક વાત છે. ચૈતન્ય શંભુ મહારાજે ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનને વખોડ્યું છે. ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે માત્ર હિંદુ સમાજ નહી આ નિવેદન મુસ્લિમ સમાજ માટે પણ અપમાનજનક છે.
હર્ષ સંઘવીએ શું કહ્યું
નામ લીધા સિવાય હર્ષ સંઘવીએ ઈન્દ્રનીલ રાજ્યગુરે મહમૂદ ગઝનવી સાથે સરખાવ્યા હતા. સંઘવીએ કહ્યું, ગઝનવી ગયા પણ કેટલાક લોકોને અહીં મુકતા ગયા. રાહુલ પાસે સારા લાગવા નિવેદનબાજી કરી હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. ઉપરાંત સરદાર સાહેબના સોમનાથ મંદિરના સંકલ્પની પણ અવગણના કર્યાનો આરોપ સંઘવીએ લગાવ્યો હતો.