Gujarat Assembly Election 2022: યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને આ બેઠક પરથી મળી શકે છે ટિકિટ
Gujarat Assembly Election 2022:ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. આ અગાઉ ઉમેદવારોને લઇને અનેક અટકળો શરૂ થઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને ભાજપ વિરમગામથી ટિકિટ આપી શકે છે. તે સિવાય અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટિકિટ મળશે. હર્ષ સંઘવી મજૂરા બેઠક પરથી ચૂંટણી લડશે. તે સિવાય મુખ્યમંત્રી ભૂપન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ મળી શકે છે. મોરબીથી ક્રાંતિ અમૃતિયાને ભાપને ટિકિટ આપી શકે છે. સુરતની ઉધના બેઠક પરથી પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી શકે છે. ઓલપાડથી મુકેશ પટેલ, સુરત પશ્વિમથી મેયર હેમાલી બોઘાવાલા, કારંજથી પ્રવીણ ઘોઘારી, ચોર્યાસી બેઠક પરથી સંદીપ દેસાઇને ટિકિટ મળી શકે છે.
તે સિવાય રાજકોટથી સાંસદ મોહન કુંડારિયા, સાંસદ પૂનમ માડમને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકારના આઠ મંત્રીઓ ચૂંટણી લડશે નહીં. વિજય રૂપાણી, નીતિન પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. સૂત્રોના મતે અન્ય છ મંત્રીઓના પણ પત્તા કપાશે. પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ચૂંટણી લડશે નહીં. બોટાદ બેઠક પરથી સૌરભ પટેલ, ધોળકા બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું પત્તુ કપાશે. વટવા બેઠક પરથી પ્રદીપસિંહ જાડેજાનું પત્તુ કપાવવાનું નક્કી છે.ઉપરાંત વિભાવરીબેન દવેનું પણ પત્તુ કપાઇ શકે છે. વલ્લભ કાકડિયા, કૌશિક પટેલ, યોગેશ પટેલના પણ પત્તા કપાઇ શકે છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિધાનસભાની ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી. તેમણે પક્ષને જીતાડવા માટે મહેનત કરવાન પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિજય રૂપાણી બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે 2017માં રાજકોટ પશ્વિમ બેઠક પરથી વિજય રૂપાણી ચૂંટણી લડ્યા હતા. વિજય રૂપાણી હાલમાં પંજાબ ભાજપના પ્રભારી છે. આ વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્વિમ બેઠક પર નવા ચહેરાની પસંદગી થશે તે નક્કી છે.નીતિન પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખીને ચૂંટણી નહી લડવાની વાત કરી હતી. મહેસાણા બેઠકથી ચૂંટણી નહી લડવાની નીતિન પટેલે વાત કરી હતી.