ગુજરાત બજેટમાં સ્ટેમ્પ ડ્યૂટી અને ટેક્સમાં અભૂતપૂર્વ ઘટાડો, સામાન્ય માનવીના ખિસ્સાને મળશે મોટી ટાઢક!
લોન ગીરોખતથી લઈને વારસાઈ મિલકત અને વાહનો સુધી રાહત, જનતાને મળશે આર્થિક બોજમાંથી મુક્તિ.

Gujarat Budget 2025: રાજ્ય સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં ગુજરાતની જનતાને વિવિધ ક્ષેત્રોમાં રાહતનો વરસાદ વરસાવ્યો છે. સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી અને ટેક્સના દરમાં નોંધપાત્ર ઘટાડો કરીને સામાન્ય નાગરિકોને આર્થિક બોજમાંથી મુક્તિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ નવા સુધારાઓની જાહેરાતથી રાજ્યભરના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો
લોન લેનારાઓ માટે સૌથી મોટી રાહત એ છે કે લોનની ગીરોખત પર સ્ટેમ્પ ડ્યુટીમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ ₹ 25,000 સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી, જે હવે ઘટાડીને માત્ર ₹ 5,000 કરવામાં આવી છે. આ નિર્ણયથી લોન લેનારા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને મોટો ફાયદો થશે અને તેઓને નાણાકીય વ્યવહારો સરળ બનશે.
વડીલો પાસેથી વારસામાં મળેલી મિલકતમાં પુલત્રીના વારસદારોને નામ કમી કરાવવા માટે પણ મોટી રાહત આપવામાં આવી છે. હવે 4.90% સ્ટેમ્પ ડ્યુટીના બદલે માત્ર ₹ 200 ની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે. આ પગલાથી વારસાઈ મિલકતના કિસ્સામાં થતો ખર્ચ ઘટશે અને વારસદારોને સરળતા રહેશે.
ભાડા કરાર પર પણ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એક વર્ષથી વધુ સમયના ભાડા કરાર પર રહેણાંક હેતુ માટે ₹ 500 અને વાણિજ્યિક હેતુ માટે ₹ 1000 ની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે. આ ફેરફારથી ભાડૂતો અને મકાનમાલિકો બંનેને ફાયદો થશે.
મહત્વની વાત એ છે કે, આ તમામ કામગીરી હવે ઈ-રજીસ્ટ્રેશન દ્વારા ઓનલાઈન થઈ શકશે, જેનાથી પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનશે. લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને સમય અને શક્તિનો બચાવ થશે.
વાહનો પર ટેક્સમાં ઘટાડો:
પર્યાવરણને અનુકૂળ વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઈલેક્ટ્રિક વાહનો પર ટેક્સમાં ભારે ઘટાડો કર્યો છે. હવે ઈલેક્ટ્રીક વાહનો પર 6% ના બદલે માત્ર 1% ટેક્સ લાગશે. વધુમાં, વાહનની ખરીદીના એક વર્ષ બાદ સરકાર દ્વારા 5% ટેક્સ પરત કરવામાં આવશે. આ પ્રોત્સાહનથી લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રેરિત થશે અને પર્યાવરણની જાળવણીમાં મદદ મળશે.
મેક્સી કેટેગરીના (પેસેન્જર) વાહનો પર પણ ટેક્સનો બોજ ઘટાડવામાં આવ્યો છે. આ વાહનો પર અગાઉ 8% અને 12% ટેક્સ લાગતો હતો, જે હવે ઘટાડીને 6% કરવામાં આવ્યો છે. આનાથી ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રાહત મળશે અને વાહન ખરીદનારા લોકો માટે પણ ફાયદાકારક રહેશે.
રાજ્ય સરકાર દ્વારા બજેટમાં કરવામાં આવેલી આ રાહતો ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. સ્ટેમ્પ ડ્યુટી અને ટેક્સમાં ઘટાડાથી સામાન્ય નાગરિકો અને વિવિધ વ્યવસાયોને આર્થિક રીતે ફાયદો થશે અને રાજ્યના વિકાસમાં પણ મદદ મળશે. સરકારે જનતાને આપેલા આ રાહતના પગલાં ખરેખર પ્રશંસનીય છે.
આ પણ વાંચો....
મહીસાગરમાં ભગવો લહેરાયો: ભાજપનો ત્રણેય નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભવ્ય વિજય
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
