Gujarat Election 2022: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ આ તારીખે ઉમેદવારી નોંધાવશે, અમિત શાહ રહેશે હાજર
આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે 166 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે
ગાંધીનગરઃ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે 166 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. મળતી જાણકારી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.
ઉમેદવારી નોંધાવતા પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં રેલી પણ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલના નામાંકન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ભાજપના ટોચના નેતાઓ પણ હાજર રહી શકે છે.
નોંધનીય છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલ છે. આવી સ્થિતિમાં જો ભાજપ ફરી સત્તામાં આવશે તો ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે. અમદાવાદ જિલ્લાની ઘાટલોડિયા બેઠક પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે 2008માં સીમાંકન બાદ ઘાટલોડિયા બેઠક અસ્તિત્વમાં આવી હતી. 2012માં અહીં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધી યોજાયેલી બંને ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપનો વિજય થયો છે.
સીએમ ભૂપેન્દ્ર 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ પરથી જીત્યા હતા
એટલું જ નહીં અહીંથી જીતેલા બંને ધારાસભ્યો રાજ્યના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના આનંદીબેન પટેલનો વિજય થયો હતો. જ્યારે 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના શશિકાંત પટેલને એક લાખ 17 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. પહેલીવાર ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલને ચૂંટણીના 15 મહિના પહેલા ભાજપે રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા હતા.
ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે
ઘાટલોડિયા બેઠક પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થશે, જેના માટે 14 નવેમ્બર સુધી નામાંકન કરી શકાશે. 15 નવેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 17 નવેમ્બર સુધી નામ પરત ખેંચી શકાશે. તેવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ માટે 17 નવેમ્બર સુધી નામાંકન દાખલ કરી શકાશે. બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવશે