Gujarat Election 2022: રીવાબાના પ્રચારમાં રવિન્દ્ર જાડેજા કેમ દેખાતા નથી? શું ટીમ ઈન્ડિયાના અન્ય ક્રિકેટરો જોડાશે પ્રચારમાં, જાણો વિગતે
રીવાબા જાડેજાએ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને UPSC પરીક્ષાની તૈયારી પણ કરી હતી. તેણી એરફોર્સ માટે પણ પસંદ થઈ હતી, પરંતુ કેટલાક કારણોસર તે જોડાઈ શકી ન હતી.
Gujarat Election 2022: 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે તેમાં રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ જામનગર ઉત્તરમાંથી રીવાબાને ટિકિટ આપી છે. રિવાબા તેના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, જોકે તેના પતિ અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા હજુ સુધી તેની સાથે દેખાયા નથી. હવે રીવાબાએ જવાબ આપ્યો છે કે આવું કેમ છે.
રીવાબાએ દૈનિક ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં રવિન્દ્ર જાડેજા તેમની સાથે ચૂંટણી મેદાનમાં પ્રચાર કરતા જોવા મળશે. તેમણે કહ્યું કે આ નિર્ણય પાર્ટી લે છે. જો પાર્ટી નક્કી કરશે તો તે પ્રચારમાં જોડાશે. ટીમ ઈન્ડિયાના અન્ય ક્રિકેટરો પ્રચાર કરશે કે નહીં તે અંગે રિવાબાએ કહ્યું કે હું આ અંગે કંઈ કહી શકું તેમ નથી.
જાણો રીવાબા જાડેજા વિશે
રીવાબા જાડેજાએ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને UPSC પરીક્ષાની તૈયારી પણ કરી હતી. તેણી એરફોર્સ માટે પણ પસંદ થઈ હતી, પરંતુ કેટલાક કારણોસર તે જોડાઈ શકી ન હતી. રીવાબા જાડેજા સામાજિક પ્રવૃતિઓ સાથે પણ સંકળાયેલા છે અને ભાજપ માટે સક્રિયપણે કાર્યરત છે.
હાલમાં જ રીવાબાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે પહેલીવાર ધારાસભ્ય પદની ચૂંટણીમાં ભાગ લેવા જઈ રહી છે, તેમાંથી તે ઘણું શીખશે. રીવાબાના ચૂંટણીમાં આવવા અંગે જાડેજાએ કહ્યું કે તેઓ મદદરૂપ સ્વભાવના છે અને તેમને લોકોની સમસ્યાઓનો અંત લાવવાનું પસંદ છે. જાડેજાએ એમ પણ કહ્યું કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગે ચાલીને લોકો માટે કામ કરવા માંગે છે. આ બધા કારણોસર તે રાજકારણમાં આવી છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાવાની છે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે અને રાજ્યને ભાજપનો ગઢ માનવામાં આવે છે.