Gujarat Corona Guidelines: કોરોના સંક્રમણના વધતા 8 મહાનગરોમાં ટ્યુશન ક્લાસિસને લઈ સરકારે શું કર્યો મોટો નિર્ણય, જાણો
રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા સરકારે રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં ટ્યુશન ક્લાસિસ પણ હવે તાત્કાલિક અસર થી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
ગાધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કેસોની વર્તમાન સ્થિતીને ધ્યાને લઈને સરકારે રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં ટ્યુશન ક્લાસિસ પણ હવે તાત્કાલિક અસર થી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેની જાણકારી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી હતી.
આગામી 10 એપ્રિલ સુધી 8 મહાનગરો માં આ વ્યવસ્થા અમલમાં રાખવામાં આવશે તેવો પણ નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે એમ શિક્ષણ મંત્રીશ્રી એ ઉમેર્યું હતું.
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે અમદાવાદ, સુરત અને વડોદરામાં રાત્રિ કરફ્યૂના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાત્રિ કફર્યુનો સમય રાત્રે 9 થી સવારે 6 નો કરવામાં આવ્યો છે.
આ પહેલા રાજ્ય સરકારે આઠ મહાનગરોમાં 10 એપ્રિલ સુધી તમામ શાળા કૉલેજ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર , ગાંધીનગર જૂનાગઢ અને ભાવનગરમાં 10 એપ્રિલ સુધી સ્કૂલો બંધ રહેશે. 10 એપ્રિલ સુધી શિક્ષણ કાર્ય ઓનલાઇન કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં હોસ્ટેલો ચાલુ રહેશે.
રાજ્યમાં કોરોનાનો પ્રકોપ યથાવત
રાજ્યમાં ફરી કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27 ટકા પર પહોંચ્યો છે. હાલ 6147 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે.
રાજ્યમાં અત્યાર સુધી કુલ 4437 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.