શોધખોળ કરો
‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, આ તારીખે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી
રાજ્યના દરિયા કાંઠે આગામી 6-7 નવેમ્બરે 'મહા' વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે.

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ‘મહા’ આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બનશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. આને કારણે લક્ષદ્વિપ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ગુજરાતનાં દક્ષિણ કાંઠે ભારે વરસાદ પડવાની શક્યતા છે. કેરળમાં 1000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં જ્વલ્લે જ બનતી ઘટના મુજબ આ વર્ષે એક સાથે બે વાવાઝોડાની સિસ્ટમ સર્જાઈ છે. રાજ્યના દરિયા કાંઠે આગામી 6-7 નવેમ્બરે 'મહા' વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આ બે દિવસ દરમિયાન રાજ્યમાં 60-70 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હાલમાં 'મહા' વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય છે અને તે દર 6 કલાકમાં 24 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. 'મહા' વાવાઝોડું પણ ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા હતી પરંતુ હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારોને ધમરોળે તેવી વકી છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રડાવે તેવી સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે 'મહા' વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 2 નવેમ્બરે ભારે વરસાદની વકી છે. આ વાવાઝોડાની અસરના કારણે ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. મહત્વપૂર્ણ છે કે 6 થી 7 નવેમ્બરના સૌરાષ્ટ્રના વેરાવળ દરિયા કિનારે ટકરાય તેવુ અનુમાન છે. જેના કારણે ગીર સોમનાથ, પોરબંદર,જામનગર, અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અસર થય શકે છે.જેને લઈ સરકારને પણ એલર્ટ કરવામાં આવી છે.
વધુ વાંચો





















