ગુજરાતમાં ચોમાસાનો ક્યારે થશે વિધિવત્ પ્રારંભ? હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
આગામી ૭ દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા; ૧૮ જૂન બાદ ભારે વરસાદની આગાહી; અંબાલાલ મુજબ ૧૨ જૂનથી મહારાષ્ટ્રમાં સક્રિયતા, જ્યારે પરેશ ગોસ્વામી ૨૦ જૂનનો નિર્દેશ કરે છે.

Gujarat monsoon 2025 start date: ગુજરાતમાં ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ દ્વારા અલગ અલગ આગાહીઓ કરવામાં આવી રહી છે. જોકે, મોટાભાગના અનુમાનો આગામી ૧૦ ૧૫ દિવસમાં ચોમાસાના સત્તાવાર આગમન તરફ ઈશારો કરી રહ્યા છે.
હવામાન વિભાગનું અનુમાન:
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૭ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને, ૧૨ જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ અમદાવાદ આસપાસ ૪૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહી શકે છે અને ઉત્તર તરફથી આવતા પવનોને કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. જોકે, ૧૮ જૂન પછી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની વિસ્તૃત આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે:
- તેમણે કહ્યું કે, "ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે, ૧૨ જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થશે."
- "૧૫ થી ૧૮ જૂન દરમિયાન મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ થશે."
- તેમણે એમ પણ જણાવ્યું કે, "૧૦ જૂનથી મહારાષ્ટ્રમાં ચોમાસું ફરી સક્રિય થશે."
- ૧૨ થી ૧૫ જૂન દરમિયાન અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને બોટાદમાં વરસાદની સંભાવના છે.
- ગીર સોમનાથ અને વડોદરા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.
- ૧૩ જૂનથી ૨૨ જૂન દરમિયાન પંચમહાલ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
- આ સમયગાળા દરમિયાન અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની અંબાલાલે આગાહી કરી છે.
- ધોળકા, સાણંદ, વિરમગામ, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં પણ ૧૩ થી ૨૨ જૂન દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
- દક્ષિણ ગુજરાતમાં પણ આ સમયગાળામાં ભારે વરસાદની સંભાવના છે.
- અંબાલાલે અંતમાં જણાવ્યું કે, ૨૪ થી ૩૦ જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સારો વરસાદ વરસશે.
પરેશ ગોસ્વામીનું અનુમાન
અન્ય હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ૨૦ જૂને ગુજરાતમાં ચોમાસું બેસી શકે તેવી આગાહી કરી છે. તેમના મતે, અત્યાર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં જે વરસાદ પડી રહ્યો હતો, તે પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હતો. તેમણે કહ્યું કે હવે થોડા દિવસ ગરમીનો સામનો કરવો પડશે, અને ૧૪ જૂન પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે તીવ્ર બનશે.
આમ, અલગ અલગ આગાહીઓ છતાં, મોટાભાગના નિષ્ણાતો જૂનના મધ્યથી અંત સુધીમાં ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમનની શક્યતા દર્શાવી રહ્યા છે, જે ખેડૂતો અને નાગરિકો માટે આશાનું કિરણ લઈને આવ્યું છે.




















