Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમે અચાનક ચેકિંગની કાર્યવાહી કરી હતી, જેમાં રાજ્યની બે હૉસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે બે હૉસ્પિટલોને શૉ-કૉઝ નૉટિસ ફટકારવામાં આવી છે

Gujarat: ગુજરાતમાં ફરી એકવાર રાજ્યનું આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યુ છે, ગુજરાતના હેલ્થ વિભાગે રાજ્યની જુદીજુદી હૉસ્પિટલોને લઇને કાર્યવાહી શરૂ કરી છે, જેમાં નિયમોનું પાલન ના કરનારી બે હૉસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે અને અન્યે બે હૉસ્પિટલોને શૉ-કૉઝ નૉટિસ ફટકારવામા આવી છે. દવાઓ, સ્ટાફ અને ડૉક્ટરને લઇને બેદરકારી દાખવવામાં આવી રહી હોવાની માહિતી સામે આવતા આ કાર્યવાહી કરાઇ છે.
રાજ્યમાં આરોગ્ય વિભાગની ટીમો મોટાપાયે સાફસફાઈની કાર્યવાહી શરૂ કરી છે, તાજા અપડેટ પ્રમાણે, ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમે અચાનક ચેકિંગની કાર્યવાહી કરી હતી, જેમાં રાજ્યની બે હૉસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે બે હૉસ્પિટલોને શૉ-કૉઝ નૉટિસ ફટકારવામાં આવી છે, આ હૉસ્પિટલો પર નિયમોનું પાલન ના કરવાનો આરોપ છે. નિયમોને નેવે મુકીને આ હૉસ્પિટલો કામગીરી કરી રહી હોવાની વાત સામે આવતા તાબડતોડ કાર્યવાહી કરાઇ છે. ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિઓનેટલ કેર સસ્પેન્ડને સસ્પેન્ડ કરવામાં આવી છે, ભરૂચની કાશીમા હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઇ છે.
આ ઉપરાંત કાલોલની માં ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, આ તમામ હોસ્પિટલમાં નીતિ નિયમોનું પાલન ના થતા કાર્યવાહી કરાઇ છે. તપાસ દરમિયાન દીપ ચિલ્ડ્રન હોસ્પિટલમાં PICU, NICU માટે જરૂરી માપદંડોની પૂર્તતા નહોતી મળી. દીપ ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી એક્સપાયર ડેટ વાળી દવાઓ મળી આવી હતી. દીપ ચિલ્ડ્રન હોસ્પિટલમાં MBBS ડોક્ટર પણ હાજર ના હોવાનો ખુલાસો થયો હતો. ઈન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન થતું. ભરૂચની કાશીમા હોસ્પિટલમાં PICU અને NICU માટે માપદંડ પૂરા નહોતા મળ્યા અને ઈન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું થતું, તેમજ નર્સિંગ સ્ટાફ ક્વોલીફાઈડ નહોતા, કાશીમા હોસ્પિટલમાં બપોરે 12 વાગ્યા સુધી તબીબી અધિકારી હાજર નહોતા અને BU પરમિશન ફાયર NOC ઉપલબ્ધ નહોતી. આ ઉપરાંત પંચમહાલની મા ચિલ્ડ્રન હોસ્પિટલમાં લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું કરાયુ, એસ્કપાયરી ડેટવાળી દવાઓ પણ આપવામાં આવી હતી, ભરૂચની કાશીમા ચિલ્ડ્ર્ન હોસ્પિટલમાં 2 દિવસ પહેલા તપાસ કરવામાં આવી હતી. આ તમામ હૉસ્પિટલમાં ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યુ અને કાર્યવાહી કરી હતી.





















