Gujarat Pollution Control: CM ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ તંત્ર એક્શન મોડમાં, 3 દિવસમાં 2600 બાંધકામ સાઈટ તપાસી ફટકાર્યો લાખોનો દંડ
Gujarat pollution control action: શિયાળામાં હવાની ગુણવત્તા સુધારવા શહેરી વિકાસ વિભાગની લાલ આંખ: નિયમો તોડનાર 541 સાઈટ પાસેથી 123 લાખથી વધુની દંડ વસૂલાત.

Gujarat pollution control action: શિયાળાની શરૂઆત થતાં જ ગુજરાતના મહાનગરોમાં વધતા જતા હવાના પ્રદૂષણને નાથવા માટે રાજ્ય સરકાર સક્રિય થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના બાદ શહેરી વિકાસ વિભાગે રાજ્યભરમાં સપાટો બોલાવ્યો છે. માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં રાજ્યની 17 મહાનગરપાલિકાઓમાં આવેલી 2,600 થી વધુ બાંધકામ સાઈટ્સનું ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન ન કરતી 541 સાઈટ્સને જવાબદાર ઠેરવીને કુલ 123 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.
CM ની અધ્યક્ષતામાં એક્શન પ્લાન તૈયાર
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વાયુ પ્રદૂષણનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો. શિયાળામાં પ્રદૂષણનું પ્રમાણ વધવાથી ભવિષ્યમાં સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને અત્યારથી જ એલર્ટ થવા જણાવ્યું હતું. તેમણે રાજ્યના તમામ વિભાગોના સંકલન સાથે એક વિસ્તૃત અને અસરકારક એક્શન પ્લાન તૈયાર કરીને પ્રદૂષણ ડામવા માટે કડક પગલાં લેવાના આદેશ આપ્યા હતા.
શહેરી વિકાસ વિભાગની ત્વરિત કાર્યવાહી
મુખ્યમંત્રીના આદેશનું પાલન કરતા શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવે રાજ્યની તમામ 17 મહાનગરપાલિકાઓ અને 6 પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશનરો સાથે તાત્કાલિક વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. શહેરી વિસ્તારોમાં ધૂળ અને રજકણો ઉડવાનું મુખ્ય કારણ બાંધકામ સાઈટ્સ હોવાથી, ત્યાં પ્રદૂષણ નિયંત્રણના પગલાં લેવાય છે કે નહીં તેની તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
3 દિવસમાં મેગા ડ્રાઈવ અને દંડની વસૂલાત
મહાનગરપાલિકાઓએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. રાજ્યમાં જ્યાં બાંધકામ ચાલી રહ્યું છે તેવી કુલ 2,961 સાઈટ્સમાંથી માત્ર 3 દિવસમાં 2,600 થી વધુ સાઈટ્સનું ઇન્સ્પેક્શન પૂર્ણ કરવામાં આવ્યું હતું.
જૂની 8 મહાનગરપાલિકાઓ: કુલ 1,563 સાઈટમાંથી 1,303 સાઈટ તપાસવામાં આવી. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરતી 506 સાઈટ પાસેથી 122.82 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો.
નવી 9 મહાનગરપાલિકાઓ: કુલ 1,398 સાઈટમાંથી 1,300 સાઈટનું ચેકિંગ થયું, જેમાં 35 સાઈટને દંડ ફટકારી 1.058 લાખ રૂપિયા વસૂલાયા.
નગરપાલિકાઓ: પ્રાદેશિક કમિશનર હેઠળની નગરપાલિકાઓમાં કુલ 771 સાઈટનું 100% ઇન્સ્પેક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે.
દૈનિક મોનિટરિંગ શરૂ
આ માત્ર એકલ-દોકલ કાર્યવાહી નથી. મુખ્યમંત્રીની સૂચનાને ગંભીરતાથી લઈને શહેરી વિકાસ વિભાગ દ્વારા હવે દૈનિક ધોરણે પ્રદૂષણ નિયંત્રણ કામગીરીની સમીક્ષા અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી રાજ્યના નાગરિકોને શુદ્ધ હવા મળી રહે.




















