Gujarat Rain: ગુજરાતમાં બે દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 17 ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે ગાજવીજ વરસાદની સાથે 40 કિમીની ઝડપે પણ પવન ફૂંકાશે.
અમદાવાદમાં રાતથી સવાર સુધી ક્યાંક ધીમીધારે, તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે વરસાદ વરસતા વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.સોમવારે પણ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય હતા. સોમવારે સરખેજ અને મકરબા વિસ્તારમાં બે ઈંચ વરસાદ વરસ્યો. તો જોધપુર, મકતમપુરા, સેટેલાઈટ, બોડકદેવ, પાલડી, વાસણા, વેજલપુર, ટાગોરહોલ વિસ્તારમાં દોઢ દોઢ ઈંચ વરસાદ વરસ્યો. તો રામોલ, દૂધેશ્વર, વટવા, જમાલપુર, લાલ દરવાજા, દરિયાપુર, શાહપુરમાં પણ એક એક ઈંચ વરસાદ વરસ્યો હતો. સાયન્સ સિટી, ગોતા, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, ઈંકમટેક્સ, મેમકો, નરોડા, મણીનગર, કાંકરીયા વિસ્તારમાં અડધો અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.
બનાસકાંઠાના અમીરગઢ, વડગામ, દાંતા, પાલનપુર, વડગામ સહિતનાં વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. પાલનપુરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સુખબાગ રોડ, આબુ હાઇવે, સુરમદિર, મલાણા પાટિયા. ધનિયાણા ચોકડી , સિવિલ હોસ્પિટલ, આદર્શ હાઇસ્કુલ, શામાર્કેટ સહિતનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક ટ્રક ખાડામાં પડતા રસ્તાની વચ્ચે જ પલટી ગયો હતો જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે NDRFની ટીમ પાલનપુરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો યથાવત છે. ડેમની જળ સપાટી 135.02 મીટરે પહોંચી છે. હાલ 3 લાખ 2 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધતા સપાટીમાં વધારો થયો છે. જેથી 1.9 મીટરે 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડાઇ રહ્યું છે.નદીમાં કુલ જાવક 3 લાખ 62 હજાર 594 ક્યુસેક છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.