21 જુલાઈ, 2026ના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 261.59 મિમી વરસાદ નોંધાયો છે. આ સિઝનના સરેરાશ વરસાદના 28.78% જેટલો છે.
Rain Update: ગુજરાતમાં મેઘતાંડવથી 16 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ, તંત્ર એલર્ટ મોડ પર
નવસારી-વલસાડમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર; નર્મદા ડેમ 67.77% ભરાયો, 12 જળાશયો 'હાઈ એલર્ટ' પર, 8,324 લોકોનું સુરક્ષિત સ્થળાંતર.

- ગુજરાતમાં ચોમાસાએ ગતિ પકડી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ.
- સરદાર સરોવર 67.77% ભરાયું, 8,324 લોકોનું સ્થળાંતર થયું.
- 224 રસ્તાઓ બંધ, ખરીફ વાવેતરમાં વરસાદ અત્યંત લાભદાયી.
Gujarat Monsoon Update: ગુજરાતમાં 2026ના ચોમાસાએ હવે ગતિ પકડી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના 21 જુલાઈ 2026 ના સાંજે 5:00 વાગ્યાના સંકલિત રિપોર્ટ મુજબ, આજે સવારે 6:00 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 261.59 મિમી (10.3 ઇંચ) વરસાદ પડી ચૂક્યો છે. આ આંકડો સિઝનના કુલ સરેરાશ વરસાદના 28.78% જેટલો થાય છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મહેરબાની
રાજ્યના પાંચ મુખ્ય ઝોન પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાત વરસાદના મામલે મોખરે છે. અહીં અત્યાર સુધીમાં 668.65 મિમી (43.36%) વરસાદ નોંધાયો છે. ત્યારપછી સૌરાષ્ટ્રમાં 230.58 મિમી (30.25%), પૂર્વ-મધ્ય ગુજરાતમાં 161.24 મિમી (19.69%), ઉત્તર ગુજરાતમાં 107.05 મિમી (14.66%) અને સૌથી ઓછો કચ્છમાં માત્ર 17.10 મિમી (3.42%) વરસાદ નોંધાયો છે. તાલુકાવાર વાત કરીએ તો, રાજ્યના 16 તાલુકાઓમાં તો 1000 મિમી (40 ઇંચ)થી વધુ વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે 22 તાલુકામાં 501 થી 1000 મિમી વચ્ચે મેઘમહેર થઈ છે.
છેલ્લા 24 કલાક અને આજની સ્થિતિ
છેલ્લા 24 કલાકમાં જ રાજ્યના 32 જિલ્લાના 165 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના પારડી (વલસાડ) માં સૌથી વધુ 208 મિમી (8.19 ઇંચ) અને નવસારીના ખેરગામમાં 202 મિમી (7.95 ઇંચ) વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત વલસાડના નાનાપોંઢા અને વાપીમાં 182 મિમી (7.17 ઇંચ) જ્યારે વલસાડ તાલુકામાં 179 મિમી (7.05 ઇંચ) પાણી પડ્યું છે. આજના દિવસની જ વાત કરીએ (21 જુલાઈ સવારે 06:00 થી સાંજે 4:00 કલાક), તો નવસારીના વાંસદામાં 116 મિમી (4.57 ઇંચ), ચીખલીમાં 99 મિમી (3.9 ઇંચ) અને ડાંગના વઘઈમાં 86 મિમી (3.39 ઇંચ) વરસાદ વરસી ગયો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ડેમ અને જળાશયો છલકાયા
સતત વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં નવા નીર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર (નર્મદા) ડેમમાં હાલ 2,26,402 MCFT પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના 67.77% છે. ડેમમાં અત્યારે 14,508 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. રાજ્યના અન્ય 206 ડેમોની વાત કરીએ તો તેમાં 40.90% જળસંગ્રહ થયો છે. જેમાંથી ધાતરવડી, સૂરજવડી, રોજકી, શેત્રુંજી, વાંસલ અને દોસવાડા એમ 6 ડેમ પૂરેપૂરા (100%) ભરાઈ ગયા છે. આ સિવાય 21 ડેમ 70% થી 100% વચ્ચે ભરાયા છે, 12 જળાશયોને 'હાઈ એલર્ટ', 2 ને 'એલર્ટ' અને 13 ડેમને 'વોર્નિંગ' પર રાખવામાં આવ્યા છે.
તંત્ર એક્શનમાં: 8 હજારથી વધુનું સ્થળાંતર
ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. નીચાણવાળા અને જોખમી વિસ્તારોમાંથી કુલ 8,324 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં સુરતમાંથી સૌથી વધુ 4,683 અને નવસારીમાંથી 2,113 લોકો સામેલ છે. આ ઉપરાંત, 3,711 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં NDRF ની 11 ટીમો અને SDRF ની 24 પ્લાટૂન તૈનાત છે.
આ પણ વાંચોઃ Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રસ્તાઓ બંધ, ખેતીને ફાયદો
વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 224 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે, જેમાં મુખ્યત્વે નવસારી અને વલસાડના પંચાયત રસ્તાઓનો સમાવેશ થાય છે. રાહતની વાત એ છે કે અસરગ્રસ્ત 3,402 ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે અને ST બસ સેવાઓ પણ રાબેતા મુજબ ચાલી રહી છે. બીજી તરફ, સારા વરસાદથી ખેતીને મોટો ફાયદો થયો છે. અત્યાર સુધીમાં 50,83,079 હેક્ટરમાં ખરીફ વાવેતર (59.59%) પૂર્ણ થઈ ગયું છે. હવામાન વિભાગે માછીમારોને 21 થી 24 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપી છે.
Frequently Asked Questions
ગુજરાતમાં 2026ના ચોમાસામાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ નોંધાયો છે?
રાજ્યના કયા ઝોનમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે?
દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 668.65 મિમી વરસાદ નોંધાયો છે, જે રાજ્યના પાંચ મુખ્ય ઝોનમાંથી સૌથી વધુ છે.
છેલ્લા 24 કલાકમાં કયા તાલુકાઓમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે?
છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં 208 મિમી અને નવસારીના ખેરગામમાં 202 મિમી વરસાદ ખાબક્યો છે.
સરદાર સરોવર ડેમમાં પાણીનો કેટલો સંગ્રહ થયો છે?
સરદાર સરોવર ડેમમાં હાલ 2,26,402 MCFT પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના 67.77% છે.
ભારે વરસાદને કારણે કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે?
નીચાણવાળા અને જોખમી વિસ્તારોમાંથી કુલ 8,324 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. જેમાં સુરતમાંથી સૌથી વધુ 4,683 અને નવસારીમાંથી 2,113 લોકો સામેલ છે.






















