ગુજરાત તરફથી રણજી રમેલા આ ક્રિકેટરે પાલનપુરમાં ખોલ્યું જુગારધામ, જાણો કેટલા લાખનો માલ પકડાયો
દરોડો પાડીને 40 ખેલીઓની અટકાયત કરી હતી, જ્યારે 6 જુગારી ભાગવામાં સફળ રહ્યા હતા. જેમાં સૌથી વધુ ચોંકાવનારું નામ પૂર્વ રણજી પ્લેયર અને ક્રિકેટર દિલીપ હડિયોલનું છે
પાલનપુરઃ પાલનપુરના ધ જ્યોર્જ ફિફ્થ કલબના હાઈપ્રોફાઈલ જુગારધામમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડીને 40 ખેલીઓની અટકાયત કરી હતી, જ્યારે 6 જુગારી ભાગવામાં સફળ રહ્યા હતા. જેમાં સૌથી વધુ ચોંકાવનારું નામ પૂર્વ રણજી પ્લેયર અને ક્રિકેટર દિલીપ હડિયોલનું છે. ધ કિંગ જ્યોર્જ ક્લબના જમીન વિવાદ બાદ હવે જુગારના સંચાલક તરીકે નામ ખુલતા ચકચાર મચી છે.
48 કલાક બાદ 46 લોકો સામે નોંધાયો ગુનો
ગુરુવાર બપોરથી શુક્રવાર મોડી રાત સુધી ઝડપાયેલા જુગારીયાઓને પોલીસની દેખરેખમાં રાખવામાં આવ્યા હતા અને તેમને ભોજન ચા-નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે પૂર્વ પોલીસ મથકમાં બસમાં લઈ જવામાં આવ્યા હતા. પૂર્વ પોલીસ મથકે સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મીએ ગુનો નોંધાવ્યો હતો. શનિવારે બપોરે એટેલે 48 કલાક બાદ પૂર્વ પોલીસ મથકે 46 સામે ગુનો દાખલ થયો હતો. જે બાદ સમગ્ર મામલાની તપાસ પશ્ચિમ પોલીસને સોંપવામાં આવી હતી. છ ફરાર જુગારીઓને ઝડપવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સીસીટીવીથી જુગારની પ્રવૃત્તિ પર રખાતી હતી નજર
સૂત્રોએ જણાવ્યું હતું કે " જુગારની કામગીરી ચાલી રહી હતી તે વખતે ક્લબના સંચાલક અને ટ્રસ્ટી દિલીપસિંહ મદાર સિંહ હડિયોલએ આવી સ્ટેટ મોનીટરીંગ સેલ ને કલબ અંગે વિગતો આપી હતી તેમજ ક્લબના નિયમો અને તેની ફી સંબંધિત વિગતો જણાવી હતી, પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે ક્લબના સંચાલક દ્વારા સીસીટીવીની નિગરાનીમાં જુગારની પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી. સ્થળ પરથી 1.75 લાખની રોકડ રકમ મળી કુલ જુદા જુદા વાહનો સાથે 11.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.