Gujarat Visit: વડાપ્રધાન મોદી આવશે બે દિવસના ગુજરાત પ્રવાસે, ઓખા - બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું કરી શકે છે લોકાર્પણ
Gujarat Visit: વડોદરામાં યોજાનાર આદિવાસી સમુદાયના મહાસંમેલન કાર્યક્રમમાં પણ હાજરી આપી શકે છે
Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ફેબ્રુઆરીથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી બે દિવસના પ્રવાસમાં ગુજરાતને અનેક ભેટ આપશે. તેઓ રાજકોટમાં નવનિર્મિત એઇમ્સ હોસ્પિટલનું પણ ઉદ્ધાટન કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી ઓખા - બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરી શકે છે. નવસારીના વાસી બોરસી પીએમ મિત્ર ટેકસટાઇલ પાર્કનું પણ ઉદ્ધાટન તેઓ કરી શકે છે. ઉપરાંત વડોદરામાં યોજાનાર આદિવાસી સમુદાયના મહાસંમેલન કાર્યક્રમમાં પણ હાજરી આપી શકે છે. વિસનગરના તરભ વાળીનાથ મહાદેવના સ્થાપના પ્રસંગે હાજરી આપે તેવી પણ સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બે દિવસ દરમિયાન મોદી સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતનો પ્રવાસ ખેડશે અને વિવિધ ભેટ ગુજરાતને આપશે.
10મી ફેબ્રુઆરીએ રાજ્યભરમાં લાભાર્થી સંમેલન, પીએમ મોદી કરશે વર્ચ્યૂઅલ સંબોધન
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ ગુજરાતમાં વધુ એક મોટું સંમેલન યોજવા જઇ રહ્યુ છે. ભાજપ આગામી 10મી ફેબ્રુઆરીએ લાભાર્થી સંમેલન યોજી રહ્યું છે, જેમાં રાજ્યભરના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન મોદી વર્ચ્ચૂઅલ મીટિંગ કરશે. રાજ્યનુ મુખ્ય લાભાર્થી સંમેલન બનાસકાંઠામાં યોજાશે જેમાં 25 થી 30 હજાર લાભાર્થીઓ ભાગ લેશે. રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર આ સંમેલનનું આયોજન કરાશે.
મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં લાભાર્થીઓને લઇને ભાજપ વધુ એક મોટા લાભાર્થી સંમેલનનું આયોજન કરશે. લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપ આગામી 10મી ફેબ્રુઆરીએ રાજ્યભરમાં લાભાર્થી સંમેલન યોજશે. આ લાભાર્થી સંમેલનને વડાપ્રધાન મોદી વર્ચ્યૂઅલી સંબોધન કરશે. આમાં વડાપ્રધાન આવાસ યોજના તેમજ સરકારી યોજનાના લાભાર્થીઓના સંમેલન યોજાશે. ખાસ વાત છે કે, રાજ્યનું મુખ્ય લાભાર્થી સંમેલન બનાસકાંઠામાં યોજાશે, જેમાં 25 થી 30 હજાર લાભાર્થીઓ ભાગ લશે, આ ઉપરાંત 182 વિધાનસભામાં પણ લાભાર્થી સંમેલન યોજાશે, દરેક વિધાનસભામાં 5 હજાર લાભાર્થીઓના સંમેલનનું આયોજન કરાશે. આ લાભાર્થી સંમેલનમાં ધારાસભ્યો અને સાંસદોને ફરજિયાત હાજર રહેવા સૂચના અપાઇ છે.
ગુજરાતના 40 લાખ યુવા મતદારને આકર્ષવા જાણો બીજેપીએ શું બનાવી રણનીતિ?
લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવાનો સંકલ્પ કર્યા બાદ ભાજપે તે માટેની કવાયત શરૂ કરી દીધી છે. ગુજરાતમાં 40 લાખ જેટલા યુવા મતદારો છે. આ તમામ મતદારો ભાજપ તરફી મતદાન કરે તો 5 લાખની સરસાઇ મેળવવામાં સરળતા રહે અને એટલા માટે યુવાઓને રીઝવવાની જવાબદારી ભાજપે યુવા મોરચાને આપી છે. યુવા મોરચાએ પણ જવાબદારી નિભાવવાનું શરૂ કરી દીધું છે.
ગુજરાતની અંદર 18થી 22 વર્ષના 25 લાખ જેટલા મતદારો છે અને 18થી 25 વર્ષના 40 લાખ જેટલા મતદારો છે. યુવા અને મહિલા મતદારોની સંખ્યા સૌથી વધુ છે. પરિણામે આ બંને મતદારોને આકર્ષવા ભાજપ વધુ મહેનત કરશે. ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવા યુવાઓને આકર્ષવા મહત્વના છે. પરિણામે આગામી ફેબ્રુઆરી માસમાં યુવાઓને આકર્ષવા ભાજપનો યુવા મોરચો અધ્યક્ષ પ્રશાંત કોરાટની આગેવાનીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.