Uttarayan 2023: પતંગ રસિયાઓને પડી જશે મોજ, જાણો ઉત્તરાયણે પવનની કેટલી રહેશે ગતિ
Makar Sankranti 2023: પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આવતીકાલે ઉતર પૂર્વ દિશા તરફથી પવન રહી શકે છે.
Gujarat Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તરાયણે સારો પવન રહેવાનું અનુમાન છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી રહેશે. આગામી 2 દિવસ ઠંડી વધવાની શક્યતા છે. આવતીકાલે રાજ્યમાં 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. ઉત્તરાયણ પર પવન સારો રહેશે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આવતીકાલે ઉતર પૂર્વ દિશા તરફથી પવન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડી જામશે. સવારે અને સાંજે તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળશે, બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે.
કચ્છમાં કેટલા દિવસ કોલ્ડવેવની કરાઇ આગાહી?
રાજ્યમાં આજથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડનો પ્રારંભ શરૂ થયો છે. આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતા ત્રણથી છ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ. કચ્છમાં 14 અને 15 જાન્યુઆરીએ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
તો અમદાવાદમાં પણ ઠંડીનો પારો દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીના આંકડાની વાત કરીએ તો વલસાડમાં સૌથી નીચુ 13 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો વડોદરામાં ઠંડીનો પારો 14.4 ડિગ્રી પર પહોંચી ગયો હતો. વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 14.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો નલિયામાં ઠંડીનો પારો 14.8 ડિગ્રી પર પહોંચ્યો હતો.
જો કે આગામી 14 અને 15 જાન્યુઆરીના રોજ નલિયામાં ઠંડીનો પારો ચાર ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કેશોદમાં ઠંડીનો પારો 15.7 ડિગ્રી, સુરત અને સંઘ પ્રદેશ દમણમાં ઠંડીનો પારો 16 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ગાંધીનગરમાં ઠંડીનું તાપમાન 16.2 ડિગ્રી નોંધાયુ. મહુવામાં ઠંડીનો પારો 16.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો પોરબંદર, અમદાવાદ અને સંઘ પ્રદેશ દિવમાં ઠંડીનો પારો 17 ડિગ્રી પર પહોંચ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 14થી 16 જાન્યુઆરીમાં ઠંડીનો પારો નવ ડિગ્રી સુધી ગગડી શકે છે. અમરેલીમાં ઠંડીનો પારો 17.3 ડિગ્રી, ભાવનગરમાં 17.4 ડિગ્રી, ભૂજમાં 17.6 ડિગ્રી અને ડીસામાં ઠંડીનો પારો 17.8 ડિગ્રી સુધી નોંધાયો. તો રાજકોટમાં 18.7 ડિગ્રી અને વેરાવળમાં ઠંડીનો પારો 19.3 ડિગ્રી પર પહોંચ્યો હતો.