ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા મુદ્દે હાર્દિક પટેલે શું આપ્યું મોટું નિવેદન?
હાર્દિક પટેલના નામનો સિનિયર નેતાઓએ વિરોધ કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જો હાર્દિકને અધ્યક્ષ બનાવાય તો મોટાપાયેર રાજીનામાની ધમકી આપવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલના નામનો સિનિયર નેતાઓએ વિરોધ કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જો હાર્દિકને અધ્યક્ષ બનાવાય તો મોટાપાયેર રાજીનામાની ધમકી આપવામાં આવી છે. હાર્દિની ઉંમર ઘણી ઓછી હોવાની અને જુનિયર હોવાની રજૂઆત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ બનવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે અન્ય જવાબદારી અને અંગત કારણ આગળ ધરી ઇનકાર કરી દીધો હતો.
બીજી તરફ હાર્દિક પટેલે ચાર દિવસ પહેલા જ એટલે કે, 18મી ઓક્ટોબરે આ અંગે ટ્વીટ કર્યું હતું કે, મીડિયામાં ચાલી રહેલી અનેક પ્રકારની અફવા અને સમાચારોનું હું ખંડન કરું છું. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ કોઈ પણ બને, તે કોઈ પણ સમાજના કે કોઈ પણ વ્યક્તિ હોય, તેમના નેતૃત્વમાં સત્તા પરિવર્તનની લડાઇ લડીશું અને જીતીશું.
ગુજરાતના મુખ્યમંત્રી પટેલ હોવાથી હાર્દિકને અધ્યક્ષ બનાવવાનો ફાયદો નહીં મળે તેવી દલીલ કરવામાં આવી હતી. વિરોધ વચ્ચે હાર્દિકને અધ્યક્ષ ન બનાવાય તો શક્તિસિંહને જવાબદારી સોંપાઇ શકે છે. બેઠકમાં હાજરી આપી હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી બિહાર રવાના થયા છે. સૂત્રોના મતે, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓએ હાર્દિકના નામનો વિરોધ કર્યો છે.
ગુજરાત કોંગ્રેસ અંગે 2 દિવસમાં નિર્ણય લેવાનું રાહુલ ગાંધીએ વચન આપ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠકમાં રાહુલ ગાંધીએ વચન આપ્યું છે. જે નિર્ણય લેવાશે તે સારો અને તમામ લોકો માટે હશે તેવી રાહુલે ખાતરી આપી છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ઘણા નવા લોકોને સ્થાન આપવાની રાહુલે વાત કરી છે.
ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીની નિમણૂક થયા પછી પ્રદેશ પ્રમુખની વરણીને લઈને કવાયત તેજ થઈ છે. ત્યારે હવે બે દિવસમાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ મળી શકે છે. જોકે, નવા પ્રમુખની જાહેરાત પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરી હતી. જ્યાં તેમણે આ વાત કરી હતી.
નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, સાંસદ અમીબેન યાજ્ઞિક, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, શૈલેષ પરમાર, પરેશ ધાનણી, હાર્દિક પટેલ અને નરેશ રાવલ સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ માટે આજે દિલ્હીમાં મંથન થયું. ગુજરાતના 15 નેતાઓ સાથે રાહુલ ગાંધી વન ટુ વન ચર્ચા કરી હતી. પ્રમુખ માટે હાર્દિક પટેલ અને શક્તિશિહ ગોહિલનું નામ સૌથી આગળ છે. ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા પણ ચર્ચામાં છે. વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર અને પૂંજા વંશનું નામ આગળ છે.
ગુજરાતના નેતાઓ સાથે ચર્ચા બાદ રાહુલ ગાંધી ગુજરાતના પ્રભારી રઘુ શર્મા સાથે બેઠક કરશે. બેઠક પછી ગમે ત્યારે પ્રમુખ અને વિપક્ષના નેતાના નામ અંગે જાહેરાત થશે. નવા પ્રમુખ અને વિપક્ષના નેતા જાહેર થયા બાદ તેઓ બાકીની કમિટીઓ નક્કી કરશે. રાહુલ ગાંધી યુવા નેતાગીરીને પ્રોત્સાહન આપવાના મૂડમાં હોવાનો કોંગ્રેસના નેતાઓનો દાવો છે.