હાર્દિક પટેલ 2 એપ્રિલે ‘આપ’માં જોડાશે એવી ચર્ચા, કેજરીવાલ સાથે હાર્દિકની ચર્ચા થઈ, જાણો સંપૂર્ણ વિગત
આમ આદમી પાર્ટીના એક નેતાએ હાર્દિક પટેલનો સંપર્ક કર્યાની માહિતી બહાર આવી છે. આ નેતા દ્વારા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને આપમાં જોડવા પ્રયાસ કરાઈ રહ્યો છે
અમદાવાદઃ પંજાબમાં ભવ્ય વિજયના પગલે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો વ્યાપ વિસ્તારવા માગે છે. તેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 2 એપ્રિલે ગુજરાતમાં રોડ શો કરવાના છે. આ રોડ શો સમયે પાટીદાર આગેવાન અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે કે શું એવી ચર્ચા ચાલી રહી છે.
આમ આદમી પાર્ટીના એક નેતાએ હાર્દિક પટેલનો સંપર્ક કર્યાની માહિતી બહાર આવી છે. આ નેતા દ્વારા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને આપમાં જોડવા પ્રયાસ કરાઈ રહ્યો છે. મળેલી માહિતી પ્રમાણે અરવિંદ કેજરીવાલ હાર્દિકને આપમાં જોડવા ઈચ્છતા હોવાનું કહેવાય છે. આ અંગે હાર્દિક પટેલ અને કેજરીવાલ વચ્ચે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની પણ માહિતી છે તેથી કેજરીવાલ 2 એપ્રિલે ગુજરાતમાં રોડ શો કરવાના છે ત્યારે હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે એવી ચર્ચા ચાલી રહી છે.