Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ખાબકશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ: રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ અને ડીસામાંથી ચોમાસાની વિદાય થઈ છે. અમદાવાદમાં આજે વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
આજે ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત,તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે.
આ સિવાય દેવભૂમિદ્વારા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ,આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, માં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વિડ્રોઅલ લાઈન સક્રિય થઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 25% વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. ગુજરાતના ક્ચ્છના કેટલાક ભાગમાંથી ચોમાસાની વિદાય થઈ છે. ચોમાસાની વિદાય વચ્ચે પણ 4 જિલ્લા બાદ કરતાં અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની વિદાય લેવાની શરુઆત થયા બાદ સમગ્ર રાજ્યમાંથી વિદાય લેતા એક સપ્તાહ જેટલો સમય લાગતો હોય છે.
આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદમાં રાહત જોવા મળી રહી છે. જોકે, આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે. કારણ કે, હવામાન વિભાગે ફરી નવી આગાહી કરી છે. રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે.
રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ ઉત્તર ભાગમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. પરંતુ કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી નવરાત્રિના તહેવાર દરમિયાન પણ હળવા વરસાદની શક્યતા રહેલી છે, જે ખેલૈયાઓની મજા બગાડી શકે છે.
ગુજરાતમાં 108 ટકા કરતાં વધારે વરસાદ
કચ્છ જિલ્લામાં સૌથી વધારે 136 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશની તુલનામાં 119 ટકા વરસાદ થયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 110 ટકાથી વધારે અને દક્ષિણ ગુજરાતમાં 111 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લી સ્થિતિ મુજબ સૌરાષ્ટ્રમાં લગભગ 94 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં હજુ સુધી વરસાદની ઘટ છે.





















