ગુજરાતમાં 4 દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં જળબંબાકારનો છે ખતરો ?
છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.હવામાન વિભાગ દ્વારા ચાર દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે
અમદાવાદઃ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી છે ત્યારે હજુ ચાર દિવસ સુધી ગુજરાતને વરસાદમાંથી રાહત નહીં મળે. હવામાન વિભાગ દ્વારા ચાર દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વાર આગાહી કરાઈ છે કે, આગામી 3-4 દિવસ એટલે કે 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં આગામી ચાર દિવસ માટે અતિ ભારે વરસાદની સંભાવનાને પગલે રાજ્ય સરકાર દ્વારા NDRF અને SDRFની ટીમને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે 4 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવકાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.
હાલમાં લો-પ્રેશર દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનની સાથે ઉત્તર ગુજરાત-કચ્છની આસપાસ પણ સક્રિય થયું છે. આ ઉપરાંત બંગાળના અખાતનું વેલમાર્ક લો-પ્રેશર પાંચ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે. પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે, અમદાવાદમાં 1થી 3 ઇંચ તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
છેલ્લા બે દિવસમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે. રાજ્ય સરકાર દ્વાર અપાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકા તાલુકામાં 20 ઇંચની આસપાસ વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ જૂનાગઢ, જામનગર, પોરબંદર, ગીર-સોમનાથ, ડાંગ, વલસાડ તેમજ અમદાવાદમાં 1થી 18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3-4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવા આવી છે.
ક્યા તાલુકામાં કેટલો વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજકોટના લોધિકા તાલુકામાં 21 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કાલાવાડ તાલુકામાં 16 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વિસાવદર તાલુકામાં 15 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજકોટø તાલુકામાં 13 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ધોરાજી તાલુકામાં 9 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કોટડા સાંગાણી તાલુકામાં 8 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામકંડોરણા તાલુકામાં 8 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં પડધરી તાલુકામાં 7 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગોંડલ તાલુકામાં 7 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કપરાડા તાલુકામાં 6 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેરમાં 5 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 5 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ધરમપુર અને જામજોધપુર તાલુકામાં 4 ઇંચ વરસાદ