Banaskantha Rain: રેડ એલર્ટ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકાર,ખેતરો બેટમાં ફેરવાયા
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આપવામાં આવેલા રેડ એલર્ટની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. દાંતા, દાંતીવાડા, અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠા: હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આપવામાં આવેલા રેડ એલર્ટની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. દાંતા, દાંતીવાડા, અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે અમીરગઢના ઈકબાલગઢ હાઈવેથી બજારમાં આવતા રોડ પર ઘુંટણસમા પાણી ભરાયા છે. ઈકબાલગઢના મુખ્ય માર્ગ પર આવેલ રેલવે અંડરબ્રિજમાં 11 ફુટ સુધીના પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા.
ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા
આ તરફ ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરો બેટમાં ફેરવાતા મગફળી, બાજરીના પાકો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની ચિંતા વધી છે. દાંતા પંથકની પણ આવી જ હાલત થઈ છે. 9 ઈંચ વરસાદથી દાંતા પંથકના નદીનાળા છલોછલ થયા છે. વરસાદી પાણીથી ખેતરો જળબંબાકાર દેખાયા છે.
હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા
દાંતામાં વરસેલા વરસાદથી રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ જળભરાવની સ્થિતિ ઉત્પન થઈ હતી. કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાતા હોસ્પિટલ આવતા દર્દી અને તેમના સગાસંબંધીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઈકબાલગઢ સહિત ઝાંઝરવા, ઢોલીયા, આંબાપાણી, ગોળીયા ડેરી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઈકબાલગઢ એપીએમસીમાં પાણી ભરાતા વેપારીઓ, ખેડૂતો પરેશાન થયા હતા.
ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોની ઘરવખરી પલળી
આ તરફ નાળીવાસ વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોની ઘરવખરીનો સામાન વરસાદી પાણીમાં પલળ્યો હતો. ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકો પોતાનો માલસામાન લઈને સુરક્ષિત સ્થળે ખસેડવા મજબુર બન્યા હતા. રાત્રે વરસેલા વરસાદથી દાંતાના પુંજપુર ગામમાં ખેતરોમાં કેડ સમા પાણી ભરાયા હતા. ખેતરોમાં વાવેતર કરેલા મગફળી, બાજરી, ઘાસચારો કેડસમા વરસાદી પાણીમાં ગરકાવ થયો. વરસાદી પાણીમાં કૃષિ જમીન ધોવાતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
આ તરફ દાંતાની કીડી મકોડી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. દૂધ ભરાવી પરત ફરતા 20 લોકો નદીકાંઠે ફસાયા હતા. બોરડીયા જવાનો પુલ ન હોવાથી સ્થાનિકોને દર ચોમાસામાં મુશ્કેલી વેઠવી પડતી હોય છે. ત્યારે ગ્રામજનોએ પણ તાત્કાલિક પુલ બનાવવા માટે સ્થાનિક પ્રશાસન પાસે માગ કરી છે. પાલનપુરના ધાણધા નજીક વરસેલા વરસાદથી ઉંમરદસી નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે. મોટી સંખ્યામાં લોકો નવા નીરને વધામણા કરવા ઉંમરદસી નદી પર પહોંચ્યા હતા. ઉંમરદસી નદીમાં પાણીની ભરપૂર આવકથી આસપાસના 100થી વધુ ગામના ખેડૂતોને ફાયદો થશે.
યાત્રાધામ બાલારામ નદી અને ચેલાણાની સરસ્વતિ નદીમાં વરસાદી પાણીની આવકથી મુકતેશ્વર ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ. સુપી નદીમાં પણ નવા નીરથી નદી-નાળા છલકાયા હતા. નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા વહિવટી પ્રશાસને અપીલ કરી છે. આ તરફ પાલનપુરના ગોળા ગામે વીજળી પડતા ચાર પશુઓના મોત નિપજ્યા હતા.





















