ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
શુક્રવારે વાયદા બજારમાં ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જે ₹8,951 વધીને ₹2,32,741 પ્રતિ કિલોગ્રામના નવા રેકોર્ડ સ્તર પર પહોંચ્યો.

Silver Price : શુક્રવારે વાયદા બજારમાં ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જે ₹8,951 વધીને ₹2,32,741 પ્રતિ કિલોગ્રામના નવા રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો. આ સતત પાંચમા ટ્રેડિંગ સત્રમાં વાયદા બજારમાં ચાંદીના ભાવ મજબૂત થયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ $75 પ્રતિ ઔંસના સ્તરને પાર કરી ગયા હોવાથી ભાવમાં આ વધારો થયો છે.
મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર માર્ચ 2026 ડિલિવરી માટે ચાંદીના વાયદા લગભગ ચાર ટકા વધીને ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યા છે. 18 ડિસેમ્બરથી, ચાંદીના ભાવમાં કુલ ₹29,176 અથવા આશરે 14.33 ટકાનો વધારો થયો છે.
ચાંદીના ભાવમાં સતત વધારો
સોનાના ભાવે પણ કોમોડિટી બજારમાં ઇતિહાસ રચ્યો છે, જેમાં પહેલીવાર ₹1.39 લાખ પ્રતિ 10 ગ્રામનો આંકડો પાર થયો છે. સતત ચોથા ટ્રેડિંગ સત્રમાં વધારો થતાં ફેબ્રુઆરી ડિલિવરી માટે સોનાના ભાવ 1,119 રૂપિયા અથવા 0.81 ટકા વધીને 10 ગ્રામ દીઠ 1,39,216 રૂપિયાના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યા. ગુરુવારે ક્રિસમસ માટે સ્થાનિક કોમોડિટી બજારો બંધ હતા, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યાની અસર સ્થાનિક બુલિયન ભાવો પર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો. કોમેક્સ પર ફેબ્રુઆરી સોનાના વાયદા $58.8 અથવા 1.3 ટકા વધીને $4,561.6 પ્રતિ ઔંસની નવી ટોચે પહોંચ્યા. રિલાયન્સ સિક્યોરિટીઝના વરિષ્ઠ સંશોધન વિશ્લેષક જીગર ત્રિવેદીના જણાવ્યા અનુસાર, શુક્રવારે સોનાના ભાવ લગભગ $4,500 પ્રતિ ઔંસ સુધી વધી ગયા હતા અને સત્ર દરમિયાન થોડા સમય માટે $4,530 પ્રતિ ઔંસના ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ્યા હતા. તેમણે સમજાવ્યું કે વધતા ભૂરાજકીય તણાવ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓને કારણે સલામત રોકાણ તરીકે સોનાની માંગમાં વધારો થયો છે, જે ભાવને ટેકો આપે છે.
આગળ શું થશે ?
ચાંદીની વાત કરીએ તો, કૉમેક્સ પર માર્ચ ડિલિવરી માટે ચાંદીના વાયદા સતત પાંચમા દિવસે તેજી જોવા મળી અને આ 3.81 ડૉલર એટલે કે 5.31 ટકા વધીને 75.49 ડૉલર પ્રતિ ઔંસના નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા. ચાંદી અગાઉ બુધવારે 71.68 ડૉલર પ્રતિ ઔંસ પર બંધ થઈ હતી. એકંદરે, વૈશ્વિક અનિશ્ચિતતા, સલામત રોકાણોની માંગમાં વધારો અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂતાઈને કારણે સોના અને ચાંદી બંને નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે.





















