Panchmahal Rain: એક દિવસના વિરામ બાદ ગોધરામા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
હવામાન વિભાગે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદથી લઈ હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ગોધરા: હવામાન વિભાગે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદથી લઈ હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોધરા શહેર સહિત વાવડી, વેગનપુર, ડોક્ટરના મુવાડા, આંબલી, બગીડોળ, હમીરપુર, મહેલોલ, પોપટપુરા, ભમૈયા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.
ધોધમાર વરસાદ વરસ્યો
પંચમહાલ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈને અસહ્ય ઉકળાટમાંથી શહેરીજનોને મોટી રાહત મળી છે. સતત વરસાદને લઈને ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છે. છેલ્લા ઘણા દિવસોથી આ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.
રાજ્યમાં વરસાદી માહોલ સાથે ચોમાસાની મોસમ જામી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 215 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજયના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 27 જૂનના રોજ સવારે 6 કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં 6 ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના તલાલા, સુરતના મહુવા તથા જૂનાગઢના વિસાવદર અને માંગરોળ તાલુકામાં5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે ખેરગામ, સૂત્રાપાડા, ચીખલી, ઈડર, ખેડબ્રહ્મા અને વડગામ તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
નવ તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ
વધુમાં, ગણદેવી, બારડોલી, ડોલવણ, રાણાવાવ, કામરેજ, પારડી, દાંતા, કલ્યાણપુર અને કેશોદ એમ કુલ નવ તાલુકાઓમાં 3 ઈંચથી વધુ તેમજ કવાંટ, ભીલોડા, સુરત શહેર, નવસારી, કુંકાવાવ વડિયા, ઉમરગામ, મહેસાણા, વલોદ, વિજાપુર, જામ જોધપુર, કુતિયાણા, ટંકારા, પાલનપુર, ધરમપુર, રાજુલા, પાટણ, લોધીકા, માણાવદર, અમરેલી, વલસાડ અને જલાલપોર મળી કુલ 21 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 40 તાલુકાઓમાં એક ઈંચથી વધુ અને 133 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોધાયો હોવાના અહેવાલો છે.
ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા
રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.





















