સુરત શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
સુરત શહેરમાં વરસાદે શાનદાર બેટિંગ કર્યા બાદ સુરત જિલ્લામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

સુરત: સુરત શહેરમાં વરસાદે શાનદાર બેટિંગ કર્યા બાદ સુરત જિલ્લામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરત શહેરના કડોદરા, પાલ અને અડાજણ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદની તિવ્રતા એટલી વધુ હતી કે બપોરના સમયે પણ અંધકાર છવાય ગયો હતો. વરસાદને લીધે વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.ભારે વરસાદને પગલે કડોદરા સુરત રોડ પર પાણી ભરાયા હતા.
સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો
સુરત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. માંડવી કાકરાપાર વિસ્તારમાં કાળા ડિંબાગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ઓલપાડ, માંગરોળ, માંડવી, ઉમરપાડા, બારડોલી સહિતના તમામ તાલુકમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. કીમ, કામરેજ અને કાકરાપાર વિસ્તારમાં પણ વરસાદ વરસતા રોડ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ધોધમાર વરસાદને પગલે કામરેજની સૂર્યદર્શન સોસાયટીમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. પહેલા જ વરસાદે પ્રશાસનની પણ પોલ ખુલી ગઈ છે. કામરેજ ચાર રસ્તા હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. પ્રિ-મોનસૂનની કામગીરી યોગ્ય રીતે ન થતા સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી
ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે, જ્યાં લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.
ગુજરાતમાં એક-બે દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ જશે. દક્ષિણ બાદ ઉત્તરના રાજ્યોમાં ચોમાસું એક્ટિવ થશે, પરંતુ હાલમાં વરસાદે કેટલાક ભાગોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હાલમાં જ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. હવામાનના તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આજે 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ચાર જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું અનુમાન સેવાઇ રહ્યું છે. આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.





















