Banaskantha Rain: પાલનપુરમાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં જળબંબાકાર
હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર, ડીસા,ધાનેરા,દાંતીવાડા, પાંથાવાડા, લાખણી, કાંકરેજ, દિયોદર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
બનાસકાંઠા: હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર, ડીસા,ધાનેરા,દાંતીવાડા, પાંથાવાડા, લાખણી, કાંકરેજ, દિયોદર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આવતીકાલે પણ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
પાલનપુરના ગઠામણ પાટીયા પાસે ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. ઉકળાટ બાદ વાતવરણમા પલટો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદ પાક માટે આર્શીવાદ રૂપ સમાન હોય ખેડૂતો ખુશખુશાલ છે. જિલ્લામાં આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પાલનપુરના ચંડીસર હાઇવે પાસે ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. ચંડીસર હાઈવે પર વરસાદમાં પાણી ભરાયા હતા. જેના કારણે જીપ ખાડામાં ખાબકી હતી. ગાજવીજ સાથે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ગુજરાતમાં બે દિવસ ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાજન છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજુ પણ બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 2 દિવસ મેઘરાજા તોફાની બેટીંગ કરશે. ત્યારબાદ વરસાદ વિરામ લેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવાર સુધી મેઘરાજા મન મૂકીને વરસશે. બુધવારથી મેઘરાજા ખમૈયા કરશે. આજે કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, સુરત અને ભરૂચ જિલ્લામાં વરસાદની આગાહી હતી. આવતીકાલે સોમવારે અમદાવાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, પાટણ, સાબરકાંઠા, આણંદ, ભરૂચ અને વડોદરામાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 11 જુલાઈના અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પણ પાણી-પાણી થશે.
વરસાદે રાજ્યભરમાં જમાવટ કરી
રાજ્યભરમાં શ્રીકાર વરસાદની સ્થિતિ છે. હાલ વરસાદે રાજ્યભરમાં જમાવટ કરી છે. રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે સતત ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. તાજેતરના હવામાનના અપડેટની વાત કરીએ તો ફરી હવામાન વિભાગે હજુ આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.