Amreli Rain: અમરેલી જિલ્લાના ખાંભામાં ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. થોડા દિવસના વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

અમરેલી: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. થોડા દિવસના વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અમરેલી જિલ્લાના ખાંભા, જાફરાબાદ, રાજુલા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે બપોર બાદ ખાંભા ગીરના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર
ખાંભાના ત્રાકુડા, ડેડાણ, માલકનેશ, નીગાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી ડેડાણ ગામના બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ તરફ જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.
રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
જાફરાબાદના લોર, ફાચરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ-રસ્તા પાણી પાણી થયા છે. બે દિવસના વિરામ બાદ રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. રાજુલાના હીંડોરણા, છતડીયા, કડીયાળી, ખેરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે.
છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ
વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલને લઈને હેરણ અને કરા નદીમાં નવા નીર આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે. હેરણ નદી અને કરા નદીમાં ભારે પાણીની આવક જોવા મળી રહી છે.
અરવલ્લી જિલ્લામાં વરસાદ
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મોડાસા, માલપુર અને શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા શહેરના ડીપ વિસ્તાર, ચાર રસ્તા અને બસ સ્ટેશન વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા-શામળાજી હાઈવે પર પણ પવન સાથે વરસાદ વરસતા વિઝિબિલિટી ડાઉન થઈ હતી. વિઝિબિલિટી ડાઉન થતા ચાલકો હેડ લાઈટ ચાલુ કરીને વાહન ચલાવવા માટે મજબુર બન્યા હતા.
રાજ્યમાં 85 ટકાથી વધુ સરેરાશ વરસાદ વરસ્યો
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.





















