(Source: ECI/ABP News/ABP Majha)
જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, દામોદર કુંડમાં પુર આવ્યું
હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
જૂનાગઢ: હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દોતલપરા, ખામધ્રોલ રોડ, બસ સ્ટેન્ડ રોડ, રેલ્વે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. કોયલી, વાડલા, શાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
જૂનાગઢના ગીરનાર પર્વત પર સવારથી વરસી રહ્યો છે અવિરત વરસાદ, જેના કારણે સીઝનમાં સૌ પ્રથમ વખત દામોદર કુંડમાં પુર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સોનરખ, કાળવા સહિતની નદીઓમાં નવા નીર આવ્યા છે. ગિરનાર પર્વત પર વરસાદના કારણે આહ્લાદક દ્રશ્યો પણ સર્જાયા છે. ગિરનાર તથા દાતાર પર્વત પર પણ અવિરત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે જૂનાગઢમાં નદી નાળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યમાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ધોધમાર વરસાદ વરસશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
સાબરકાંઠા જિલ્લામાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. હિંમતનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈ રસ્તા પર પાણી વહેતા થયા છે. શહેરના ટાવર ચોક, મહાવીરનગર, ગોકુલનગર, મોતીપુરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રસ્તા પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને રાહદારીનો હાલાકી પડી છે. હિંમતનગર પાસેના હડિયોલ, કાંકણોલ, ભોલેશ્વર, પરબડા સહિતના ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા. એવામાં આજે મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તલોદ શહેર અને આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તમામ જિલ્લામાં મેઘમહેર
ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 176 તાલુકાઓમાં નોંધાયો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં નોધાયો છે. અહીં 8 ઈચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બનાસકાંઠાના દિયોદરમાં પણ 8 ઈંચ વરસાદ નોંધાયો છે.