રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ગોંડલમાં વીજળી પડતા 3નાં મોત
બોટાદમાં ગાજવીજ વરસાદ સાથે વિજળી પડવાની ઘટના બની છે.....
રાજ્યમાં આગામી દિવસોમાં પણ યથાવત રહેશે વરસાદી માહોલ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગનું માનીએ તો લો પ્રેશર અને સિયરઝોનની અસરથી 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઈંદ્રદેવની કૃપા રહેશે. જ્યારે 10 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી શકે છે. જો કે 12 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર ઘટશે.
રાજકોટના ગોંડલમાં વીજળી પડતા 3નાં મોત
રાજકોટ જિલ્લામાં બુધવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજકોટના ગોંડલ, જસદણ સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાય છે. તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વીજળી પડવાની પણ ઘટના બની છે.
રાજકોટના જસદણ તાલુકાના પ્રતાપુર ગામે વાડી વિસ્તારમાં સાંજના સમયે ત્રણ બાળકો પર વીજળી પડી છે. સાંજના સમયે વાડીના સેઢા પર ત્રણ પિતરાઈ ભાઈઓ ચાલીને જતા હતા ત્યારે જ વીજળી પડતા 15 વર્ષના બે બાલકોના કિશોરોના મૃત્યુ નિપજ્યા છે. જેમને 108 મારફતે જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરતના તબીબે બંન્નેને મૃત ઘોષિત કર્યા હતા.
રાજકોટના માર્કેટયાર્ડમાં વીજળી પડી
રાજકોટ જિલ્લાના બેડી માર્કેટમાં ગાજવીજ વરસાદ સાથે વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. બેડી માર્કેટમાં વીજળી પડવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જો કે સદનસીબે વીજળી પડતા કોઈ જાનહાની થઈ નથી. અલગ અલગ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા વીજળી પડવાના ઘણા કિસ્સા બન્યા છે.
બોટાદ પાળીયાદ જિનાલય પર વીજળી પડી
બોટાદમાં ગાજવીજ વરસાદ સાથે વિજળી પડવાની ઘટના બની છે. ધોધમાર વરસાદ વચ્ચે પાળીયાદ જિનાલય પર વીજળી પડી છે. સાંજે ચાર વાગ્યાની આસપાસ જિનાલય પર વીજળી પડી છે. જેના કારણે શિખરના ભાગે નુક્સાન થયું છે. જો કે શિખરના ધજાના ભાગ સિવાય અન્ય જગ્યા પર વીજળી ન પડતા વધુ નુકશાન થયું નથી.