Sabarkantha: ઈડરમાં ખેડૂતોનો હલ્લાબોલ, જમીન સંપાદનનો વિરોધ
સાબરકાંઠાના ઈડરના ખેડૂતોએ જમીન સંપાદન સામે વિરોધ નોંધાવ્યો છે. નેશનલ હાઈવે 168-G મહેસાણા ઈડર અને શામળાજીથી પસાર થશે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
સાબરકાંઠા: સાબરકાંઠાના ઈડરના ખેડૂતોએ જમીન સંપાદન સામે વિરોધ નોંધાવ્યો છે. નેશનલ હાઈવે 168-G મહેસાણા ઈડર અને શામળાજીથી પસાર થશે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના મતે હાઈવે માટે જમીન સંપાદનમાં તેમના 10 કૂવા અને 25 બોર પણ જશે. આજે ઈડર સહકારી જિનથી રેલી કાઢી ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં 200થી વધુ ખેડૂતો જોડાયા હતા.
370 જેટલા ખેડૂતો જમીન સંપાદન મુદ્દે વિરોધ નોંધાવી ચૂક્યા છે
સાબરકાંઠાના ઈડરના બડોલી થી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે. 370 જેટલા ખેડૂતો જમીન સંપાદન મુદ્દે વિરોધ નોંધાવી ચૂક્યા છે. ખેડૂતોએ ફળદ્રુપ જમીનને બદલે વૈકલ્પિક રીતે જમીન સંપાદન કરવાની માંગ શરુઆતથી કરી હતી. સંપાદિત થયેલી જમીનમાં 10 કૂવા તેમજ 25 જેટલા બોરવેલ પણ નિષ્ફળ બને તેમ છે. જેના પગલે ખેડૂતોને આગામી સમયમાં ભારે નુક્સાન ભોગવવાનું આવે તેવી સ્થિતિ સર્જાઇ છે.
ખેડૂતો તેમજ પશુપાલકો હાઇવેનો વિરોધ કરી રહ્યા છે
ખેડૂતો તેમજ પશુપાલકો હાઇવેનો વિરોધ કરી રહ્યા છે. આજે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જમીન માપણી વિભાગ દ્વારા કરાયેલા સર્વે અનુસાર નવા નંબરો પડતા જમીન તેમજ જમીનનો સર્વે નંબર અલગ-અલગ હોવાના કારણે ખેડૂતોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડરના આઠ જેટલા ગામડાના ખેડૂતોએ પાટણના રાધનપુરથી શામળાજી સુધી બનનારા 168 નંબરના નેશનલ હાઈવેમાં જમીન સંપાદન થવાને લઈને પોતાનો વિરોધ નોંધાવી રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. જાહેરનામું બહાર પાડ્યા બાદ 350 જેટલા ખેડૂતોએ વાંધાઓ પણ રજૂ કર્યા છે.