ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: આ બે જિલ્લામાં વરસાદ ભારે તબાહી મચાવશે; રેડ એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતમાં લાંબા સમયથી વરસાદનો વિરામ હતો, જેના કારણે ખેડૂતો અને નાગરિકો ચિંતિત હતા. હવે મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર વાપસી કરી છે.

Gujarat Rain Alert: લાંબા વિરામ બાદ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે આગામી કલાકો માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે અહીં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય 6 જિલ્લાઓ માટે યેલો એલર્ટ અને બાકીના તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દ્વારકા અને પોરબંદર માટે યેલો એલર્ટ છે. બાકીના તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ છે, જ્યાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આજે સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં અમદાવાદમાં 1.22 ઇંચ અને ગાંધીનગરમાં 0.94 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, હવામાન વિભાગે શનિવાર અને રવિવાર માટે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
રેડ, યેલો અને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી કલાકોમાં સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેને કારણે અહીં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટ દર્શાવે છે કે આ વિસ્તારોમાં અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર જિલ્લા માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ સિવાય, રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વરસાદના તાજેતરના આંકડા
આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદે ધડબડાટી બોલાવી છે. સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં અમદાવાદમાં 1.22 ઇંચ, ગાંધીનગરમાં 0.94 ઇંચ, સુરતમાં 0.43 ઇંચ, છોટા ઉદેપુરમાં 0.39 ઇંચ અને નર્મદામાં 0.35 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, તાપી, વલસાડ, જૂનાગઢ, બનાસકાંઠા, મહેસાણા, કડી, ડાંગ અને નવસારી જેવા જિલ્લાઓમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.
આગામી બે દિવસની આગાહી
હવામાન વિભાગે આગામી બે દિવસ માટે પણ વરસાદની આગાહી કરી છે:
- શનિવાર (16 ઓગસ્ટ): બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે.
- રવિવાર (17 ઓગસ્ટ): સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.





















