(Source: ECI/ABP News/ABP Majha)
આગામી 48 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડશે. આગામી 24, 25 અને 26 જુલાઈ દરમિયાન વરસાદની અન્ય સિસ્ટમ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ લઈને આવશે.
Predictions of Ambalal Patel: આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ પંચમહાલ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાડ પડી શકે છે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે.
અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડશે. આગામી 24, 25 અને 26 જુલાઈ દરમિયાન વરસાદની અન્ય સિસ્ટમ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ લઈને આવશે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી વરસાદની સિસ્ટમ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે.
ગીર સોમનાથ જિલ્લાના ઈશ્વરિયામાં ભરાયા વરસાદી પાણી. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. ઈશ્વરીયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે.
ગીર સોમનાથના ગીર પંથકમાં ધોધમાર પડ્યો છે. વેરાવળમાં ડાભોર નજીક દેવકા નદીમાં પાણીની આવક થઈ છે. દેવકા નદીના પાણી કોઝવે પર ભરાયા છે. કોઝવે પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનોમાં પણ પાણી ભરાયા છે. નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે.
ભારે વરસાદથી જૂનાગઢના મેઘલ નદીમાં ઘોડાપુર આવ્યું છે. ગડુ-ખોરાસા ગીર વચ્ચે પસાર થતી મેઘલ નદીમાં ભારે પુર આવ્યું છે. માળીયા હાટીનામાં 8 વાગ્યા સુધીમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે.
જુનાગઢના માળીયા અને માંગરોળમાં બારેમેઘ ખાંગા થયા છે. માંગરોળ તાલુકામાં 4 થી 6 વાગ્યા સુધીમાં 138 મીલીમીટર વરસાદ નોંધાયો જ્યારે માળીયા હાટીના તાલુકામાં 104 મિલિમિટર નોંધાયો છે. ભારે વરસાદને પગલે ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતી જોવા મળી રહી છે. વરસાદને કારણે જનજીવન પર અસર થઈ છે.
ક્યાંક લોકોનાં ઘરોમાં પાણી ઘુસ્યા તો ગામડાઓમાં તમામ રસ્તાઓ બંધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. એટલું જ નહીં હજુપણ ધોધમાર વરસાદ યથાવત છે ત્યારે સ્થિતી વધારે ખરાબ થઈ શકે છે.
માંગરોળ તાલુકાના માંગરોળ કેશોદ હાઈવે તેમજ વેરાવળ હાઇવે અને પોરબંદર હાઇવે સહીતના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. બીજી તરફ માળીયા હાટીના તાલુકાની મેઘલ નદી ઉફાન પર છે. જ્યારે માળીયા તાલુકાના લાઠોદ્રા ગામે જોરદાર પુર ને કારણે પુલ તૂટ્યો છે.
પુલ તૂટતા ગાગેચા, રંગપુર, કારવાણી ગામ નો સંપર્ક માળીયા તાલુકા સાથે તૂટ્યો તેમજ નદી ની બીજી તરફ રહેતા ખેડૂતોની અવર જવર બંધ થઈ ગઈ છે.