Gujarat rain : આવતીકાલે પણ વરસાદ ભુક્કા કાઢશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
રાજ્યના હવામાન વિભાગ દ્વારા રવિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ રાજ્યના 220 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા રવિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ રાજ્યના 220 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે સોમવારને લઈ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, હાલ વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થઇ રહ્યો છે. આ સાથે તેમણે દક્ષિણ ગુજરાતનાં માછીમારોને આજના દિવસે દરિયો ન ખેડવાની સૂચના પણ આપી હતી.
હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે, આજે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતામાં ભારે પવન સાથે વરસાદ રહેશે. આજે રાજ્યમાં 220 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે. જ્યારે આવતી કાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેવાની આશંકા છે. આ સાથે એકાદ કલાક માટે પવનની ઝડપ રહેશે.
આવતીકાલ સાંજ સુધી વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે. અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે. આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી 13 લોકોના મૃત્યુ
વંથલી, તાલાલા અને અંકલેશ્વરમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 36 તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આજે રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી 13 લોકોના મૃત્યુ થયા છે. વીજળી પડવાની ઘટનાથી દાહોદમાં 3, ભરૂચમાં 2, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા ,પંચમહાલ,બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 1-1 માનવ મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી કુલ 39 પશુઓના મૃત્યુ નોંધાયા છે. સૌથી વધુ પશુ મૃત્યુ ખેડામાં 15 પશુઓના મૃત્યુ નોંધાયા છે.
રાજ્યના 220 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યના 30 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. લોધિકા, તાલાલામાં 2 ઈંચ વરસાદ અને અંકલેશ્વર, વંથલીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આ કમોસમી વરસાદ આફત રુપ સાબિત થયો છે. અમરેલી જિલ્લામાં વરસાદે ઘણુ નુકસાન કર્યું છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ ખેડૂતોની મુશ્કેલી વધારી છે.