(Source: ECI/ABP News/ABP Majha)
કેનેડા જવા માંગતાં લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, કડીના ડોક્ટર સાથે શું થયું એ જાણીને ચોંકી જશો
ફેસબુક દ્વારા સંપર્કમાં આવેલા જીતેન્દ્રસિંહ જી જોહલ નામના એજન્ટે તેમને વિઝા અપાવવાની ખાતરી આપીને ટુકડે ટુકડે અલગ અલગ કામ પેટે રૂપિયા 16 લાખ જેટલી રકમ લીધી હતી.
ગાંધીનગરઃ ગુજરાતીઓમાં કેનેડા જવાનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે વિઝા માટે પ્રયત્નશીલ લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં કડીમાં દવાખાનું ધરાવતા ડોક્ટરને કેનેડાના વર્ક પરમીટ વિઝા જોઈતા હોવાથી એજન્ટો પાસેથી માહિતી મેળવતા હતા.
ફેસબુક દ્વારા સંપર્કમાં આવેલા જીતેન્દ્રસિંહ જી જોહલ નામના એજન્ટે તેમને વિઝા અપાવવાની ખાતરી આપીને ટુકડે ટુકડે અલગ અલગ કામ પેટે રૂપિયા 16 લાખ જેટલી રકમ લીધી હતી. એ પછી પણ ડોક્ટરને વિઝા ન અપાવતા ડોક્ટરે કડી પોલીસ સ્ટેશનમાં એજન્ટ વિરૂદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોધાવી છે.
કડીમાં સુજાતપુરા રોડ ઉપર આવેલી કૃપાનગર સોસાયટીમાં ક્લિનિક ધરાવતા ડો.સમીરભાઈ સુરેશચંદ્ર પંડ્યાએ 2020માં કેનેડા વર્ક પરમિટ વિઝા જવા માટે વિઝા એજન્ટો પાસે માહિતી મેળવવાની ચાલુ કરી હતી.
ફેસબુકમાં જીતેન્દ્ર સિંહ જી. જોયલ નામનું એકાઉન્ટ ધરાવતી વ્યક્તિ કેનેડાના વિઝાનું કામ કરતી હોવાથી તેમણે તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી કેનેડાના વિઝા માટે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન કેનેડાના વર્ક પરમીટ વિઝાના 16 લાખ નક્કી કર્યા હતા. ધીમે ધીમે કામ થાય એ રીતે કામના પ્રમાણમાં પૈસા આપવાનું નક્કી થયું હતું.
વિઝાની પ્રક્રિયા માટે ડોક્ટરે પત્ની અને પોતાના ડોક્યુમેન્ટ સ્કેન કરી એજન્ટે આપેલા મેઈલ પર મોકલ્યા હતા. એજન્ટે એક્સિસ બેંક ગજેરા રોડ સુરતની શાખામાં રૂપિયા 3 લાખ, 30 જાન્યુઆરી 2021ના પ્રતિક કથરોટિયાના ખાતામાં જમા કરાવડાવ્યા હતા. એ પછી રૂપિયા 5 લાખ 10 ફેબ્રુઆરીના 2021 રોજ અને રૂપિયા 8 લાખ ટ્રાવેલ કો- ઓર્ડીનેટરના ખાતામાં જમા કરાવ્યા હતા.
આ રીતે 16 લાખ જમા કરાવડ્યા પછી એજન્ટે તેમને દિલ્હી બોલાવ્યા હતા. ડોક્ટર દિલ્હી પહોંચે એ પહેલાં દિલ્હીમાં તોફાન થયું હોવાનું બહાનું કાઢી તેમને આવવાની ના પાડી હતી. ત્યાર બાદ બીજા 98 હજારરૂપિયા અને 6500 ડોલર રીન્યુ કરાવવાનું એજન્ટે ફરીયાદીએ પૈસા આપ્યા નહોતા.
ફરિયાદી સમીરભાઈ પંડ્યાએ વિઝા માટેની ઉઘરાણી કરવા છતા એજન્ટે વિવિધ બહાના બતાવી વિઝા નહીં અપાવતા સમીરભાઈ પંડ્યાએ કડી પોલીસ સ્ટેશનમાં ફેસબુક એકાઉન્ટ ધરાવતા જતિન્દ્રસિંહ જી જોહલ વિરૂદ્ધ કેનેડાના વર્ક પરમિટ વિઝા નહી આપી છેતરપિંડી કરી રૂ 16 લાખ પડાવી લીધા હોવાની ફરીયાદ નોધાવી છે. કડી પોલીસે ફરીયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.