ગુજરાતની સ્કૂલોમાં કેટલા હજાર લાયકાત વિનાના શિક્ષકો ભણાવે છે એ જાણીને આઘાત લાગશે, જાણો વિગત
ગુજરાત રાજ્યની 3065 ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં લાયકાત વિનાના 7098 શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે એવી ચોંકાવનારી કબૂલાત રાજ્ય સરકારે કરી છે. આ પૈકી અમદાવાદ જિલ્લામાં ખાનગી સ્કૂલોમાં સૌથી વધુ લાયકાત વિનાના શિક્ષકો કામ કરે છે. અમદાવાદ જિલ્લાની 1161 પ્રાથમિક સ્કૂલોમાં 2361 લાયકાત વિનાના શિક્ષકો ભણાવી રહ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યની 3065 ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં લાયકાત વિનાના 7098 શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે એવી ચોંકાવનારી કબૂલાત રાજ્ય સરકારે કરી છે. આ પૈકી અમદાવાદ જિલ્લામાં ખાનગી સ્કૂલોમાં સૌથી વધુ લાયકાત વિનાના શિક્ષકો કામ કરે છે. અમદાવાદ જિલ્લાની 1161 પ્રાથમિક સ્કૂલોમાં 2361 લાયકાત વિનાના શિક્ષકો ભણાવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યે પૂછેલા સવાલના જવાબમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુજાસમાએ પોતે જવાબ આપ્યો છે. આ જવાબ પરથી જ ગુજરાતમાં શિક્ષણની સ્થિતી કેવી છે તેનો અંદાજ આવી જાય.
શિક્ષણ મંત્રીએ એમ પણ કહ્યું કે, રાજ્યમાં સ્કૂલ-કોલેજોમાં શિક્ષકો તેમજ અધ્યાપકોની ભરતી થવાની રાહ જોઈને બેઠેલા યુવાઓની આતુરતાનો અંત લાવતાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકો-પ્રોફેસરોની મોટા પાયે ભરતી કરવાની જાહેરાત કરી દીધી છે. ચુડાસમાએ જાહેરાત કરી છે કે, આગામી સમયમાં સરકારી પ્રાથમિક સ્કૂલોમાં કુલ 3900 શિક્ષકો તેમજ ઉચ્ચતર માધ્યમિક 5810 સહાયકોની ભરતી કરવામાં આવશે. હાલમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી કે ખાલી થનાર જગ્યાઓનું વર્ગીકરણ કરી જે તે જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરીમાંથી મધ્યસ્થ ભરતી સમિતિએ આંકડા મેળવવામાં આવશે. તેના આધારે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવશે.
વિધાનસભામાં શિક્ષણ વિભાગના બજેટની ચર્ચાના જવાબમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 3900 વિદ્યા સહાયકો, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં 5810 શિક્ષણ સહાયકો મળી કુલ 9710 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત કોલેજોમાં 927 અધ્યાપક સહાયકોની ભરતી કરાશે.
શૈક્ષણિક વર્ષ-2009-10 પછી ગુજરાત સરકારે માત્ર શિક્ષણ સહાયકની જ ભરતી રાજ્યની કેન્દ્રિય ભરતી સમિતી દ્વારા કરી છે પણ જૂના શિક્ષકોની ભરતી નહી કરીને અન્યાય કર્યો હતો તેવા આક્ષેપો થઈ રહ્યા છે. તેના કારણે જાહેરાતમાં શિક્ષણ સહાયક અને જુના શિક્ષક તેવી સ્પષ્ટ જોગવાઇ કરવાની માંગણી શિક્ષકોમાં ઉઠી હતી.
રાજ્યના વિવિધ શૈક્ષણિક સંઘોની સંકલન સમિતિની લેખિત રજુઆતને પગલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વર્ષ-1999ના ઠરાવથી ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની પસંદગી કે ભરતી માટે કાર્ય પદ્ધતિ નક્કી કરીને ઠરાવ સ્વરૂપે અમલમાં મુકી હતી. જેના માટે પ્રત્યેક શાળામાં સ્ટાફ મસ્ટરના આધારે ભરવાપાત્ર જગ્યાઓના ક્રમ નક્કી કર્યા છે. પ્રથમ, પાંચમી અને નવમી જગ્યા જુના શિક્ષક માટે જ્યારે બીજી, ત્રીજી, ચોથી, છઠ્ઠી, સાતમી અને આઠમી જગ્યા શિક્ષણ સહાયકથી ભરવી તેવો નિયમ બનાવાયો છે. તેના માટે જે તે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંસ્થાને એનઓસી અપાશે.