ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ કૉંગ્રેસના દિગ્ગજ નેતાએ 10 કરોડનો બદનક્ષીનો દાવો કરતા ખળભળાટ
આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદર બેઠક પરથી હાલમાં જ ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલિયાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

રાજકોટ: આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદર બેઠક પરથી હાલમાં જ ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલિયાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સામે 10 કરોડની બદનક્ષીની ફરીયાદ વકીલ મારફત કરતા ખળખળભાટ મચી ગયો છે.
10 કરોડની બદનક્ષીની ફરીયાદ
વિસાવદરમાં ચૂંટણી સમયે સ્ટીંગ ઓપરેશનના નામે લલીત વસોયા સહિતના સામે આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને સોશિયલ મીડીયામાં વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. જેની સામે લલીત વસોયાએ ધોરાજીના વકીલ દીનેશકુમારસિંહ વોરા મારફત આ નોટીસ આપવામાં આવી છે અને 10 કરોડની બદનક્ષીની ફરીયાદ કરવામાં આવી છે. દિનેશકુમાર સી. વોરા, એડવોકેટ (ગુજરાત હાઈકોર્ટ) ધોરાજીવાળા એ નોટીસમાં જણાવ્યું છે કે અમારા અસીલ લલિતભાઈ જસમતભાઈ વસોયા (પુર્વ ધારાસભ્ય 75-ધોરાજી ઉપલેટા વિધાનસભા) રહે. જમનાવડ રોડ, ધોરાજી જિ.રાજકોટવાળા તરફથી મને મળેલ સુચના અનુસાર સુરતમાં રહેતા ગોપાલ ઇટાલીયાને નોટીસ ફટકારી છે.
નોટીસમાં વધુમાં જણાવ્યું છે કે હાલમાં વિસાવદર-87 વિધાનસભાની પેટા ચુંટણી તા.19/06/2025 નાં યોજાયેલ હોય તમો તેમાં આમ આદમી પાર્ટીનાં મેન્ડેટ ઉપર ચુંટણી લડી રહ્યા હતા. મારા અસીલ લલીતભાઇ વસોયા 75-ધોરાજી ઉપલેટા વિધાનસભાનાં પુર્વ ધારાસભ્ય છે અને 87-વિસાવદરની પેટા ચુંટણી દરમિયાન રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતીનાં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતા હતા અને તેઓ કોંગ્રેસનાં પ્રદેશકક્ષાનાં આગેવાન છે અને તેઓ ખેડુતોનાં પ્રશ્નોને લઈ અવાર-નવાર રજુઆતો કરી ખેડુતોનાં દિલમાં રાજકરતા હતા ચુંટણી દરમિયાન તેઓ વિસાવદર તાલુકાનાં ગામડાઓ ખુંદી ખેડુતોને કોંગ્રેસ પક્ષ તરફી મતદાન કરવા કોંગ્રેસનાં પ્રચારક તરીકે કામ કરતા હતા.
મારા અસીલ લલીતભાઇ વસોયા 87-વિસાવદ૨ની પેટાચુંટણી દરમિયાન વિસાવદરની શાયોના હોટેલમાં રોકાયેલ હતા અને તેઓની જાણ મુજબ સાથોસાથ હોટલમાં આમ આદમી પાર્ટીનાં નેતાઓ આગેવાનો તેમજ ભાજપનાં નેતાઓ આગેવાનો આ જ શાયોના હોટલમાં રોકાયેલ હતા. ચુંટણી દરમિયાન પ્રચાર કાર્ય ચાલતુ હતુ ત્યારે તમોએ ચુંટણી જીતવા માટે મારા અસીલ લલીતભાઇ વસોયાની છબી ખરડાઈ અને તેઓને વ્યક્તિગત નુકશાન થાય અને તેઓની માનહાની થાય તે રીતે સ્ટીંગ ઓપરેશનનાં નામે મારા અસીલ લલીતભાઇ વસોયા આમઆદમી પાર્ટીના કાર્યકરને રૂપિયા આપે છે તેવો ખોટો સ્ટંટ કર્યો હતો. જયારે મારા અસીલ લલીતભાઇ સામે કોઈ પુરાવો ન હોવા છતાં આપના દ્વારા ખોટો સ્ટંટ ઉભો કરી મારા અસીલની છબી ખરડાઈ તેવા પ્રયત્નો કરવામાં આવ્યો છે જેને લીધે મારા અસીલની છબી ખરડાયેલ છે અને તેઓને વ્યક્તિગત માનહાની તેમજ નુકશાન થયું છે.
આપ દ્વારા ચુંટણીમાં પ્રચાર કરવાને બદલે અન્ય નેતાઓને ઉતારી પાડે તેવા અપપ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવેલ છે. જેને લીધે મારા અસીલ લલીતભાઇ વસોયાની ઈજજત આબરૂને નુકશાન થયું છે. ઉપરોક્ત બાબતે આપનાં દ્વારા કરવામાં આવેલ તરકટ અને ઉભુ કરવામાં આવેલ ખોટુ સ્ટીંગ ઓપરેશનનાં કોઈ પુરાવાઓ ન હોવા છતાં સોશિયલ મીડીયા તથા સમાચારો મારફત તેમજ ન્યુઝ ચેનલો પ્રિન્ટ મીડિયામાં પ્રસિધ્ધી કરાવી મારા અસીલને ખુબ જ નુકશાન પહોંચાડેલ હોય તેમજ મારા અસીલની માનહાની થયેલ હોય જેના વળતર પેટે દિવસ-10 સુધીમાં રૂા.10કરોડ પુરા ચુકવી આપવા અન્યથા મુદત પુરી થયે મારા અસીલ લલીતભાઇ વસોયા તમારી સામે નામદાર કોર્ટમાં કાયદેસરની કાનુની કાર્યવાહી કરશે અને તેમાં થનાર ખર્ચ-ખોટીપા અને નુકશાનીની તમામ જવાબદારી આપની રહેશે.





















