Lok Sabha Election 2024 LIVE: ભાજપ-કોંગ્રેસના દિગ્ગજો આજે ભર્યુ ઉમેદવારી પત્રક, ગેનીબેન સભા દરમિયાન રડી પડ્યા
Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી રાજ્યમાં ઠેર ઠેર પ્રચાર કરી રહી છે
LIVE
Background
Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી રાજ્યમાં ઠેર ઠેર પ્રચાર કરી રહી છે. રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર રૂપાલાને લઇને પણ વિવાદ ચાલી રહ્યો છે, ક્ષત્રિય સમાજ ગઇકાલે રાજકોટમાં મહાસંમેલન કરીને ચિમકી આપી છે. હવે પીએમ મોદી વિવાદોની વચ્ચે ગુજરાત પ્રવાસ પર આવશે, અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં જંગી સભાને સંબોધશે. આગામી દિવસોમાં તમામ પક્ષના ઉમેદવારો લોકસભા માટે ઉમેદવારી ફોર્મ ભરશે. અત્યારે રાજ્યમાં તમામ 26 બેઠકો પર મહા જંગ છેડાયો છે.
પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાએ ઉમેદવારી પત્રક ભર્યુ
લોકસભા માટે ભાજપના પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યુ છે. પોરબંદરથી મનસુખ માંડવીયાએ ઉમેદવારી પત્રક ભર્યું, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલે ઉમેદવારી પત્રક ભર્યું, આ ઉપરાંત ભરૂચથી મનસુખ વસાવાએ ઉમેદવારી પત્રક ભર્યું, પંચમહાલથી રાજપાલસિંહ જાદવે ઉમેદવારી પત્રક ભર્યું, અને દમણ દીવ બેઠકથી લાલુ પટેલે ઉમેદવારી પત્રક ભર્યું છે.
ચાલુ ભાષણે ગેનીબેન ઠાકોર રડી પડ્યા
આજે બનાસકાંઠામાં એક સભા દરમિયાન ચાલુ ભાષણે ગેનીબેન ઠાકોર રડી પડ્યા હતા. આ દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડી પડ્યા, બનાસકાંઠાની વાત કરતા કરતા ગેનીબેન રડી પડ્યા, ગેનીબેનની સાથે સભામાં હાજર લોકો પણ રડી પડ્યા હતા. ગેનીબેનને જોતા જ સમર્થકોની આંખોમાં પણ આંસુ આવ્યા. મંચ પર ઉપસ્થિત નેતાઓ પણ ભાવુક થયા. બનાસકાંઠાની પ્રજાના ભરોસે મને ટિકિટ મળી છે. ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરતા કરતા ગેનીબેન રડી પડ્યા હતા.
ગેનીબેન ઠાકોરે ભર્યુ ઉમેદવારી પત્રક
આજે બનાસકાંઠા બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફોર્મ ભર્યું છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. સભામાં સંબોધન દરમિયાન ગેનીબેન ઠાકોર ભાવુક થયા, બનાસકાંઠાની વાત કરતા કરતા ગેનીબેન રડી પડ્યા હતા. બનાસકાંઠાની પ્રજાના ભરોસે મને ટિકિટ મળી છે. ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરતા કરતા ગેનીબેન રડી પડ્યા, આ દરમિયાને તેમને કહ્યું કે, વડીલોની પાઘડીને આંચ નહીં આવવા દઉં, હું બનાસની બેન છે, સામે બનાસની બેંક છે.
પંચમહાલ ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાદવે ફોર્મ ભર્યું
આજે પંચમહાલમાં ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે પણ ફોર્મ ભર્યુ હતુ. રાજપાલસિંહ જાદવે એક જંગી સભા યોજી રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કર્યુ અને બાદમાં નામાંકન ફોર્મ ભર્યુ હતુ. રાજપાલસિંહ જાદવે 6 લાખની લીડથી જીતનો દાવો કર્યો હતો. નરહરી અમીન, જેઠા ભરવાડ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.
સીઆર પાટીલની પીસી, ક્ષત્રિય મહાસમંલન મામલે શું બોલ્યા ?
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી અને ભાજપના સંકલ્પ પત્રની જાણકારી આપી હતી. નોંધનીય છે કે ભાજપે ગઈકાલે જ સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું. 70 વર્ષથી વધુના તમામને આયુષ્માન ભારતમાં સામેલ કરવાનો સંકલ્પ પત્રમાં સમાવેશ કરાયો છે. પત્રકાર પરિષદ દરમિયાન ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી હતી. પાટીલે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ સાથે અમે સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ સંપર્કમાં છે. હું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ક્ષત્રિય સમાજના સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજ સાથે વાત ચાલી રહી છે. વિવાદનો સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયાસ છે. પાટીલે કહ્યું હતું કે કૉંગ્રેસે તેના વચનો ક્યારેય પૂર્ણ કર્યા નથી. ભાજપે તમામ વચનોને પૂર્ણ કર્યા છે. કાર્યો પૂરા કરવાનું અમારૂ સંકલ્પ પત્ર છે. અમે વચન નથી આપતા, ગેરન્ટી આપીએ છીએ. વન નેશન, વન ઈલેક્શનને લઇને પાટીલે કહ્યું હતું કે વન નેશન, વન ઈલેક્શન માટે PM ખૂબ જ ગંભીર છે. PMએ આંકડાકીય રીતે પણ તમામ માહિતી મેળવી છે. એક કમિટી બનાવીને ચૂંટણી પંચને એક અહેવાલ પણ આપી દીધો છે. સંકલ્પ પત્રમાં આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે.