ગુજરાત મંત્રીમંડળમાં મોટો ફેરફાર, જૂનાગઢ જિલ્લામાંથી ફરી ન મળ્યું કોઈને મંત્રીપદ
આખરે કેટલાક મંત્રીઓને શા માટે હટાવવામાં આવી રહ્યા છે? એટલું જ નહીં મંત્રીમંડળના કદમાં પણ ફેરફાર કરાઈ રહ્યો છે?

ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ આજે શપથ લેશે. 11:30 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં ભાજપને 2022ની ચૂંટણીમાં 156 બેઠકો સાથે બહુમતી મળી હતી અને ત્યાર બાદ તેના ધારાસભ્યોની સંખ્યા વધીને 162 થઈ ગઈ હતી. તેમ છતાં મંત્રીમંડળમાં આ ફેરફાર શા માટે કરવામાં આવી રહ્યો છે? આખરે કેટલાક મંત્રીઓને શા માટે હટાવવામાં આવી રહ્યા છે? એટલું જ નહીં મંત્રીમંડળના કદમાં પણ ફેરફાર કરાઈ રહ્યો છે? જોઈએ વિશેષ અહેવાલ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ જવાબદાર
આગામી વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને સાંકળીને પણ મંત્રીમંડળના ફેરફારને જોવામાં આવી રહ્યો છે. નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાનો સ્થાન આપવાનું કારણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સુધારવાનું છે. તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બનેલા જગદીશ વિશ્વકર્મા તેમનું નવું સંગઠન બનાવશે. તેની અસર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળશે.
સૌરાષ્ટ્રમાં ગોપાલ ઈટાલિયાના વધતા પ્રભાવને પણ મનાઈ રહ્યું છે કારણ
આ પાછળના અનેક કારણો વચ્ચે હાલમાં એક કારણ જે સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે તે છે જૂનાગઢના વિસાવદરમાં તાજેતરમાં જ યોજાયેલી પેટાચૂંટણીમાં આપનો ભવ્ય વિજય. આશ્વર્યની વાત એ છે કે ગોપાલ ઈટાલિયાની જીત બાદ પણ જૂનાગઢમાંથી એક પણ ભાજપના ધારાસભ્યને નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. સૌરાષ્ટ્રમાં 'આપ'નું વર્ચસ્વ વધી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ ગોપાલ ઇટાલિયા છે.
વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી હતી. આ બેઠક પર પાટીદાર મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. જેનો આપને ફાયદો થયો હતો. તે પણ ભાજપ માટે ચિંતાનો વિષય છે. હાલની સ્થિતિને જોતા આમ આદમી પાર્ટી ભાજપ માટે પડકાર નથી, પરંતુ જો સૌરાષ્ટ્રમાં 'આપ' આગળ વધે તો મોટો પડકાર ઊભો કરશે.
જૂનાગઢમાંથી એક પણ ધારાસભ્યને ન મળ્યું સ્થાન
જૂનાગઢ જિલ્લાના ભાજપના ચાર ધારાસભ્યોમાંથી કોઈને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન અપાયું નથી. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાનું નામ ચર્ચાઈ રહ્યું હતું પરંતુ છેલ્લી ઘડીએ મોરબીના કાંતિ અમૃતિયાને સ્થાન મળતા તેમનું પતુ કપાયું હતું. તે સિવાય કેશોદના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી.





















