અંદામાનમાં ચોમાસાનું થયું આગમન, જાણો ગુજરાતમાં કઇ તારીખે પહોંચી શકે છે ચોમાસું
ચોમાસાના આગમનને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના મતે 27 મેએ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઇ શકે છે

ચોમાસાના આગમનને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે હવામાન વિભાગના મતે 27 મેએ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઇ શકે છે. હવામાન વિભાગે સત્તાવાર જાહેર કરી છે કે મંગળવારે નૈઋત્યની વર્ષા ઋતુનું આગમન અંદામાન-નિકોબાર, બંગાળના ઉપસાગરમાં થયું છે. ગુજરાતમાં 10 કે 11 જૂનની આસપાસ ચોમાસું પહોંચી શકે છે. ગુજરાતમાં ચાર દિવસ પહેલા ચોમાસાનું આગમન થાય તેવું અનુમાન છે.
સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું દર વર્ષે 18-22 મે સુધી અંદામાન-નિકોબારમાં પ્રવેશ કરે છે. જો કે હાલ એક કરતાં વધુ કુદરતી પરિબળો સાનુકુળ બની રહ્યાં હોવાથી ચોમાસું તેની કુદરતી પરંપરા કરતાં પાંચ દિવસ વહેલાં અંદામાન-નિકોબારમાં પહોંચ્યું છે અને 3થી ચાર દિવસમાં અરબી સમુદ્રના દક્ષિણ હિસ્સામાં, માલદીવ, કોમોરીન વિસ્તાર, બંગાળના ઉપસાગરના વધુ વિસ્તાર, આખા અંદામાન -નિકોબારના સંપૂર્ણ ટાપુ વિસ્તારમાં પણ આગળ વધે તેવી શક્યતા છે. જો આ બધા કુદરતી પરિબળો આ જ રીતે સાનુકુળ બની રહેશે તો નૈઋત્યની વર્ષા ઋતુનું કેરળ આગમન 27 મેએ થવાની પૂરી શક્યતા છે.
જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતના પર્વતીય અને મેદાની વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ ચાલુ છે. દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમય પહેલા આવી ગયું છે. તેની ગતિ અને દિશાના આધારે એવો અંદાજ છે કે ચોમાસુ 27 મે સુધીમાં કેરળ પહોંચી શકે છે. ચોમાસાના આગમનના પરિણામે છેલ્લા બે દિવસથી નિકોબાર ટાપુઓ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદની શક્યતા
16 મે સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં, 15 મે સુધી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વાવાઝોડા, વીજળી અને તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમય પહેલા શરૂ થઈ ગયુ છે. હવામાન નિષ્ણાતો માને છે કે તેની ગતિ અને દિશાના આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ચોમાસુ 27 મે સુધીમાં કેરળ પહોંચી શકે છે, જ્યારે સામાન્ય રીતે તે 1 જૂનથી શરૂ થાય છે. નિકોબાર ટાપુઓ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.





















