Gujarat Rain: આ તારીખ સુધીમા ગુજરાતમાં તમામ જિલ્લામાં ચોમાસું બેસી જશે, અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં વરસાદની માહોલ યથાવત રહેશે. 9 જૂન સુધી અણધાર્યો વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં જોવા મળશે.

ગાંધીનગર : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં વરસાદની માહોલ યથાવત રહેશે. 9 જૂન સુધી અણધાર્યો વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં જોવા મળશે. પરંતુ ચોમાસાની સિસ્ટમ 11 જૂનથી આગળ વધવાની શકયતા રહેશે. ચોમાસા અંગે અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 જૂન સુધીમા ગુજરાતમાં તમામ જિલ્લામાં ચોમાસું બેસી જશે.
અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહી છે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ધીમે-ધીમે ચોમાસું ગુજરાતમાં આગળ વધશે. અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહી છે. બંગાળ ઉપ સાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે. આ બંને સિસ્ટમના કારણે 13થી 19 જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 22 જૂન સુધીમા ગુજરાતમાં તમામ જિલ્લામાં ચોમાસું બેસી જશે.
આ બે સિસ્ટમના કારણે સમુદ્રના ભેજવાળા પવનો ઉપર જશે. બંગાળ ઉપસાગર તરફ દોઢ કિલોમીટર ઉપરના પવનોની સ્થિતિ સારી છે. ગુજરાતમાં 13થી 22માં ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.
ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ થશે
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે.જો કે આગામી 2 દિવસ બાદ આ એક્ટિવિટી પણ સ્થિતિ થઇ જતાં રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે અને દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારમાં ફરી ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ થશે અને તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી સમયમાં વરસાદની તીવ્રતા અને ચોમાસા અંગેની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. 18થી 22મી જૂન સુધી ચોમાસું બેસે તેવી શક્યતા છે. રાજ્યમાં તાપમાન ઊંચકાઈ રહ્યું છે અને ભેજ ઘટી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ પણ છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં નોંધાઈ શકે છે.





















