(Source: Poll of Polls)
Morbi: મોરબીના નકલી ટોલનાકામાં તપાસનું નાટક, FIR નોંધાયાના 3 દિવસ થયા છતાં આરોપીઓને નથી પકડી શકી પોલીસ
Morbi: મોરબીના વઘાસિયામાં નકલી ટોલનાકાના કેસમાં પોલીસની તપાસ પર સવાલો ઉઠી રહ્યા છે.
Morbi: મોરબીના વઘાસિયામાં નકલી ટોલનાકાના કેસમાં પોલીસની તપાસ પર સવાલો ઉઠી રહ્યા છે. આ કેસમાં એફઆઇઆર દાખલ થયાને 3 દિવસ થયા છતાં હજુ સુધી પોલીસ એક પણ આરોપીને પકડી શકી નથી. પોલીસે જાતે જ ફરિયાદી બની છે પરંતુ એફઆઇઆર દાખલ કર્યા બાદ પણ આરોપીઓ પોલીસ પકડની બહાર છે.
આ કેસની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. ગેરકાયદે ટોલનાકાથી કેન્દ્ર સરકારને કરોડોનું નુકસાન થયું છે. એસઆઈટીની રચના જરૂર કરાઈ પરંતુ સવાલ એ છે કરોડોનો ચૂનો લગાવનાર અને જાહેરમાં આ પ્રકારે નકલી ટોલનાકા ચલાવનારા સુધી પહોંચવામાં પોલીસને કેમ સફળતા મળી રહી નથી. આ કેસમાં એક આરોપી ગામનો સરપંચ છે અને ભાજપના નેતાઓ સાથે તેના ફોટા છે. તો અન્ય એક આરોપી સમાજના મોટા નેતાનો પુત્ર છે ત્યારે સ્વભાવિક રીતે પોલીસ કેટલી સારી રીતે કાર્યવાહી કરી શકશે તેને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ચર્ચા તો એ વાતની પણ છે કે કેટલાક નેતાઓ સુધી આ કાંડના તાર જોડાયેલા છે.
એસઆઇટીએ હાઈવે ઓથોરીટી તેમજ ટોલનાકા એજન્સીના સ્ટાફના નિવેદનો લીધા
નકલી ટોલનાકા પ્રકરણમાં જીલ્લા કલેકટર અને એસપીની સૂચનાથી ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં એસઆઇટીએ સ્થળ પર તપાસ કરવા ઉપરાંત બેઠકો પણ કરી હતી. હાઈવે ઓથોરીટી તેમજ ટોલનાકા એજન્સીના સ્ટાફના નિવેદનો લીધા હતા. સિરામિકમાંથી પસાર થતો ગેરકાયદે ટોલવાળો રસ્તો હાલ બંધ કરી દેવાયો છે અને સિરામિક ફેક્ટરી અંદર પડતા રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક વ્હાઈટ સીટી સિરામિકમાંથી રસ્તો બનાવી ટોલનાકાને બાયપાસ કરી વાહનચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણા થતા હોવાનો મીડિયાએ પર્દાફાશ કર્યા બાદ તંત્ર દોડતું થયું હતું અને જિલ્લા કલેકટરની સૂચનાથી ટીમની રચના કરવામાં આવી છે જે ટીમે તપાસ પણ શરૂ કરી હતી.
તપાસ મામલે મામલતદાર યુ વી કાનાણીએ જણાવ્યું હતું કે વઘાસિયા ટોલનાકા ખાતે ગેરરીતી મામલે કલેકટર દ્વારા SDM વાંકાનેરને તપાસ સોંપી હતી જેથી SDM ની સૂચના મુજબ વાંકાનેર મામલતદાર, વાંકાનેર સીટી પીઆઈ, નેશનલ હાઈવે ઓથોરીટી તેમજ ટોલનાકા એજન્સીના પ્રતિનિધિઓએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી. જેમાં વઘાસિયા ટોલનાકા ખાતે તપાસ કરી છે તેમજ હાઈવે ઓથોરીટી અને ટોલનાકા સંભાળતી અને ઓપરેટ કરતી એજન્સીના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.