વરસાદ ખેંચાયા બાદ સિંચાઈનું પાણી આપવા મામલે નીતિન પટેલે શું આપ્યું મોટું નિવેદન?
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં વરસાદ ઓછો પડ્યો છે, ચોમાસાના પાણી પર જ ખેતી નિર્ભર રહેશે, સિંચાઇનુ પાણી આપી શકાય એમ નથી,
ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે, જેના કારણે ખેડૂતો માટે સિંચાઇની સમસ્યા ઉભી થઇ છે. ખેડૂતો પાણી માગી રહ્યાં છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ છે. સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે નીતિન પટેલે કહ્યું કે, ખેડૂતોને સિંચાઇનુ પાણી આપી શકાય તેમ નથી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં વરસાદ ઓછો પડ્યો છે, ચોમાસાના પાણી પર જ ખેતી નિર્ભર રહેશે, સિંચાઇનુ પાણી આપી શકાય એમ નથી, કારણ કે રાજ્યના તમામ ડેમોમાં 30 %સુધી પાણી હોઈ સિંચાઈ માટે આપી શકાય એમ નથી, માત્ર પીવાના પાણીનો રિઝર્વ જથ્થો હોઈ સિંચાઈનું પાણી આપવું શક્ય નથી. નીતિન પટેલના આ નિવદેનથી હવે ખેડૂતોમાં ચિંતા પેઠી છે. આગામી સમયમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે એક સપ્તાહમાં વરસાદ થાય તો જ ખેતી બચાવી શકાશે.
સુરતમાં દેશના 75માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન કેબિનેટ મંત્રી આર સી ફળદુએ પણ મોટુ નિવેદન આપ્યુ હતુ. તેમને કહ્યું વરસાદ ખેંચાયો છે તે અંગે સરકાર ચિંતિત છે, ભગવાનને સૌ પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ આવે. સરકારે પણ સમગ્ર બાબતે આયોજન કર્યું છે. ડેમમાં પીવાના પાણીનો જથ્થો રાખી ખેતી માટે પાણી આપવાનો આદેશ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે સુરત ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો.