“હવે મુખ્યમંત્રીશ્રીને ગુજરાત બોર્ડ સહિત અન્ય તમામ પરીક્ષાઓ સદંતર બંધ રાખવાનુ "મુહૂર્ત" ક્યારે મળશે..?”
CBSE બોર્ડની ધો. 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે ગુજરાત બોર્ડની પણ પરીક્ષા રદ કરવાની માગ ઉઠી છે.
CBSEએ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાના નિર્ણયને લઈ ધાનાણીએ પીએમ મોદીને આભાર માનવાની સાથે સાથે રાજ્ય સરકાર પર કટાક્ષ કર્યો છે. ધાનાણીએ ટ્વીટ પર લખ્યું કે કેંદ્ર સરકારના સકારાત્મક નિર્ણય બદલ અભિનંદન. સાથે જ મુખ્યમંત્રી રૂપાણી પર કટાક્ષ કરતા કહ્યું કે ગુજરાતમાં તમામ બોર્ડની પરીક્ષા બંધ રાખવા અંગે રાજ્ય સરકારને ક્યારે મુહૂર્ત મળશે. કૉંગ્રેસે તમામ બોર્ડમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન કરવાની માગણી સરકારે સ્વીકારી હોવાનો દાવો પણ ધાનાણીએ કર્યો છે.
નોંધનીય છે કે, CBSE બોર્ડની ધો. 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે ગુજરાત બોર્ડની પણ પરીક્ષા રદ કરવાની માગ ઉઠી છે. સુરતના વાલીમંડળે પણ GSEB બોર્ડ તાત્કાલિક નિર્ણય લે તેવી માગ કરી છે. સુરત વાલીમંડળે ધો. 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માગ કરી છે.
પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચા- વિચારણા બાદ CBSE બોર્ડની ધો. 12ની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે પ્રધાનમંત્રીના આ નિર્ણયને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે પણ આવકાર્યો છે. વધુમાં રાજ્ય શાળા સંચાલક મંડળ પ્રમુખે કહ્યું કે છેલ્લા બે મહિનાની અંદર રાજ્ય સરકારને ધો. 12ની પરીક્ષા બાબતે બે વિકલ્પો સૂચવ્યા છે. સરકાર બે વિકલ્પોમાંથી એક પસંદ કરીને વિચાર કરે તે યોગ્ય રહેશે. ત્રીજા વેવને રોકવા માટે પણ આ વિચાર- વિમર્શ કરવો ખૂબ જરૂરી છે. ગુજરાત સરકાર આ અંગે તાત્કાલિક નિર્ણય લે તેવી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે માગ કરી છે.
""જલ્દીથી જ્યોતિષને તેડાવો""
— Paresh Dhanani (@paresh_dhanani) June 1, 2021
કોરોનાની મહામારીથી બાળકોને બચાવવા માટે
કેન્દ્રીય બોર્ડની પરીક્ષાઓ સદંતર બંધ રાખવાનો
નિર્ણય આવકાર્ય..,
હવે મુખ્યમંત્રીશ્રીને ગુજરાત બોર્ડ સહિત અન્ય
તમામ પરીક્ષાઓ સદંતર બંધ રાખવાનુ "મુહૂર્ત"
ક્યારે મળશે..? https://t.co/TzstAtqFKh
CBSEએ ધોરણ 12ની પરીક્ષા રદ કરતા હવે ગુજરાત બોર્ડની પરીક્ષા અંગે આજે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ગુજરાત બોર્ડે મંગળવારે ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10માં રીપીટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. પરંતુ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવતા આજે મળનાર કેબિનેટ બેઠકમાં પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવો કે પરીક્ષા રદ કરવી તે અંગે નિર્ણય લેવાશે.
મંગળવારે ગુજરાત બોર્ડે કરેલા નિર્ણય પ્રમાણે ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10 બોર્ડના રિપીટરની પહેલી જુલાઈથી પરીક્ષા યોજાશે. સાયન્સમાં પહેલી જુલાઈએ પહેલું પેપર ફિઝિક્સનું જ્યારે સામાન્ય પ્રવાહમાં પહેલું પેપર એકાઉન્ટનું રહેશે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય અગાઉની એક્ઝામની જેમ 3 કલાકનો જ રહેશે.
વિજ્ઞાન પ્રવાહના 100 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણના પ્રશ્નો વૈકલ્પિક-એમસીકયુ ઓએમઆર પદ્ધતિના રહેશે અને 50 માર્કના પ્રશ્નો વર્ણનાત્મક રહેશે. પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જે અગાઉ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલી છે તે જ પદ્ધતિ રહેશે એટલે વિદ્યાર્થીએ જે પ્રમાણે અત્યાર સુધી તૈયારી કરી તે પ્રમાણે જ પરીક્ષા લેવાશે.
સામાન્ય પ્રવાહમાં કુલ 100 માર્કના પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો વર્ણનાત્મક રીતે લેવાશે. સામાન્ય પ્રવાહમાં પણ પ્રશ્નો પૂછવાની પદ્ધતિ એટલે કે પ્રશ્નપત્ર સ્ટાઇલ પણ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે સત્તાવાર જાહેર કરાય તે પ્રમાણેની રહેશે. જે વિદ્યાર્થી કોરોના કે અન્ય કારણોસર પરીક્ષા નહીં આપી શકે એમના માટે 25 દિવસ પછી ફરી પરીક્ષા યોજાશે. જો કે આ પરીક્ષા યથાવત રાખવી કે રદ કરવી તે અંગે આજે મળનારી કેબિનેટ બેઠકમાં લેવાશે.