ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવા મુદ્દે C.R. પાટીલની મોટી જાહેરાતઃ UP સહિત પાંચ રાજ્યો સાથે ગુજરાતમાં ચૂંટણી........
પાટીલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ગઇ કાલે 7 નવેમ્બરે રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં મળી હતી.
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે એવી અટકળો ચાલી રહી છે. આ અટકળો વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મોટી જાહેરાત કરી છે. પાટીલે કહ્યું કે, ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી નિયત સમયે એટલે કે 2022ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે પણ ગુજરાતની ચૂંટણી આ રાજ્યો સાથે યોજવાની કોઈ વિચારણા નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં તેના નિયત સમયે જ થશે. પાટીલના નિવેદનના કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.
પાટીલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ગઇ કાલે 7 નવેમ્બરે રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. ગુજરાતમાંથી ભા.જ.પા. મુખ્ય કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને સાંસદ રમીલાબેન બારા જોડાયા હતા.
આ બેઠકમાં દેશમાં કોરોનાને કારણે સ્વર્ગસ્થ થયેલા સૌને બેઠકના પ્રારંભે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેમના માટે બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં શોક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. આ શોક પ્રસ્તાવમાં મહારોગચાળાને કારણે અકાળે અવસાન પામનાર તમામ વરિષ્ઠ નેતાઓ, વરિષ્ઠ નાગરિકો, રોહિત સરદાના જેવા વરિષ્ઠ પત્રકારોથી લઇને અભિનેતા પુનિત રાજકુમાર સુધીના સૌનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
કોરોના કાળમાં દેશનું સમર્થ નેતૃત્વ કરવા બદલ, દેશમાં કોરોના વિરોધી રસી તૈયાર કરવા માટે પ્રેરણા આપવા બદલ તથા દુનિયાના સૌથી મોટા અને સૌથી ઝડપી રસીકરણ કાર્યક્રમ હેઠળ 100 કરોડ વેક્સિન ડોઝનો આંકડો પાર કરવા બદલ નરેન્દ્ર મોદીને બેઠકમાં ઉપસ્થિત સૌએ ઊભા થઈને તાળીઓના ગડગડાટ સાથે અભિનંદન આપ્યા હતા.
પાટીલે જણાવ્યું કે, આગામી 17 નવેમ્બરના રોજ સવારે 10 થી સાંજે 4.30 સુધી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ગુજરાત પ્રદેશ ભા.જ.પા. કાર્યકારીણી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાશે.