સરદાર સરોવર યોજનામાં ભાગીદાર 3 રાજ્યો પાસેથી ગુજરાતને 7 હજાર કરોડ લેવાના બાકી, જાણો મુખ્યમંત્રીએ શું કહ્યું
કેવડિયા ખાતે બનાવવામાં આવેલા સરદાર સરોવર ડેમ યોજનામાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન પણ યોજનામાં ભાગીદાર છે.
કેવડિયા ખાતે બનાવવામાં આવેલા સરદાર સરોવર ડેમ યોજનામાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન પણ યોજનામાં ભાગીદાર છે. આ ત્રણ રાજ્યો પાસેથી ગુજરાત રાજ્યને 7 હજાર કરોડ રુપિયાથી વધુ રુપિયા લેવાના નીકળે છે જે આ રાજ્યોએ હજી સુધી ચુકવ્યા નથી.
આજે વિધાનસભામાં થયેલ પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે પ્રશ્ન પુછ્યો હતો. પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહને જણાવ્યું કે, રાજ્યને હજી સુધી ત્રણ ભાગીદારી વાળા 3 રાજ્યો પાસેથી મૂડી ભાગીદારી, સંચાલન અને મેન્ટેન્સ ખર્ચ માટે કુલ 7,225.10 કરોડ રુપિયા વસુલવાના બાકી છે.
મધ્યપ્રદેશે સૌથી વધુ આપવાનાઃ
ભાગીદારી વાળા રાજ્યોમાં મધ્યપ્રદેશના બાકી રુપિયા સૌથી વધુ છે. જેમાં મધ્યપ્રદેશે કુલ 4,953.42 કરોડ રુપિયા આપવાના છે. ત્યાર બાદ મહારાષ્ટ્ર પાસેથી 1,715.67 કરોડ રુપિયા ગુજરાતે લેવાના છે. છેલ્લે રાજસ્થાન પાસેથી ગુજરાતને 556.01 કરોડ રુપિયા લેવાના છે. નર્મદા પોર્ટફોલિયો સંભાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં મહારાષ્ટ્રએ 38.16 કરોડ રુપિયા ચુકવ્યા છે. જ્યારે રાજસ્થાને 12.41 કરોડ રુપિયા ચુકવ્યા છે. જોકે મધ્યપ્રદેશે છેલ્લા 2 વર્ષમાં એક પણ રુપિયો ગુજરાતને ચુકવ્યો નથી. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ત્રણ રાજ્યો પાસેથી લેવાના થતાં નાણાં વસુલવા માટે રાજ્ય સરકારે ઓક્ટોમ્બર 2021 અને જાન્યુઆરી 2022માં નર્મદા કંટ્રોલ ઓથોરીટીની બેઠકમાં પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.
નાણાં વસુલવા સતત પત્રવ્યવહાર ચાલુઃ
મુખ્યમંત્રી પટેલે વધુમાં જણાવ્યું કે, આ મુદ્દે જલ્દી સમાધાન લાવવા માટે ગુજરાત તરફથી આ સંબંધમાં એક આવેદન આપ્યા બાદ એક સમિતિ અને એક ઉપ-સમૂહ સમિતિ બનાવવામાં આવી છે જેમાં ભાગ લેવાવાળા બધા ચાર રાજ્યોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ સાથે જ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દરેક મહિને ત્રણ રાજ્યોના અલગ-અલગ સંબંધિત અધિકારીઓને પત્ર લખીને દેવું ચુકવવા માટે જાણ કરરી રહ્યં છે.