હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે પાંચ મેચની T20I શ્રેણીની ત્રીજી મેચ 8 વિકેટથી જીતીને શ્રેણીમાં 3-0થી અજેય લીડ મેળવી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે પાંચ મેચની T20I શ્રેણીની ત્રીજી મેચ 8 વિકેટથી જીતીને શ્રેણીમાં 3-0થી અજેય લીડ મેળવી હતી, ત્યારે ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. હરમનપ્રીત કૌર હવે મહિલા T20I માં સૌથી સફળ કેપ્ટનની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે, તેણે હવે ઓસ્ટ્રેલિયન કેપ્ટનને પાછળ છોડી દિધી છે.
હરમનપ્રીત કૌરે મેગ લેનિંગને પાછળ છોડી દીધી
હરમનપ્રીત કૌર હવે મહિલા T20I માં સૌથી સફળ કેપ્ટન બની ગઈ છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 130 T20I માંથી 77 જીતી છે. આ દરમિયાન, ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગના નેતૃત્વ હેઠળ કાંગારૂ મહિલા ટીમે કુલ 100 T20I રમી છે, જેમાંથી 76 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળ્યા પછી હરમનપ્રીત કૌરે બેટ્સમેન અને કેપ્ટન તરીકે મેદાન પર શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં આ વર્ષે ભારતને મહિલા ODI વર્લ્ડ કપ ટાઇટલ અપાવવાનો પણ સમાવેશ થાય છે.
મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ જીત મેળવનાર કેપ્ટન
હરમનપ્રીત કૌર (ભારત) - 77 મેચ
મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા) - 76 મેચ
હીથર નાઈટ (ઈંગ્લેન્ડ) - 72 મેચ
ચાર્લોટ એડવર્ડ્સ (ઈંગ્લેન્ડ) - 68 મેચ
અમે T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રમી રહ્યા છીએ
શ્રીલંકા સામેની ત્રીજી T20I માં એકતરફી 8 વિકેટની જીત બાદ હરમનપ્રીત કૌરે પોતાના નિવેદનમાં ટીમના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી હતી, ખાસ કરીને બોલરોના પ્રદર્શન પર પ્રકાશ પાડ્યો હતો. તેણે કહ્યું, "અમારા બધા માટે આ શ્રેણી શાનદાર રહી છે" "જ્યારે અમે વર્લ્ડ કપ જીત્યા પછી મળ્યા ત્યારે અમે T20I માં અમારું સ્તર વધારવાની વાત કરી હતી, જેમાં થોડા વધુ આક્રમક બનવાની જરૂરિયાત પર ચર્ચા કરી." આપણે બધા જાણીએ છીએ કે T20 વર્લ્ડ કપ દૂર નથી, તેથી આપણે તે મુજબ તૈયારી કરવાની જરૂર છે, તેથી જ હું અત્યાર સુધીના અમારા પ્રદર્શનથી ખૂબ ખુશ છું. આજની મેચમાં અમારી બોલિંગ ખૂબ સારી હતી, અને T20 ક્રિકેટમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે મેચ જીતવાની તમારી શક્યતાઓને નોંધપાત્ર રીતે વધારી દે છે.
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે અગાઉ તેમની શરૂઆતની બે મેચમાં યજમાન ટીમને આઠ અને સાત વિકેટથી હરાવી હતી. હવે બંને ટીમો 28 ડિસેમ્બરે ચોથી મેચમાં એકબીજાનો સામનો કરશે.




















