પાટણમાં 'હપ્તા રાજ' નો ભાજપના જ દિગ્ગજ નેતાનો સનસનીખેજ આરોપ: કે.સી. પટેલે પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા રાજકારણમાં ગરમાવો!
એસપીએ તપાસની ખાતરી આપી, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું: 'આરોપો સાચા, પણ ભાજપ નેતા અત્યાર સુધી કેમ ચૂપ હતા?'

hapta raj allegation Patan: પાટણ જિલ્લામાં 'હપ્તા રાજ' ચાલતું હોવાનો સનસનીખેજ આરોપ ભાજપના જ એક દિગ્ગજ નેતાએ લગાવ્યો છે. ભાજપના પૂર્વ મહામંત્રી અને હુડકોના ડિરેક્ટર કે.સી. પટેલે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, પાટણમાં પ્રવેશતા જ પોલીસ ખાનગી વાહનો પાસેથી હપ્તા ઉઘરાવે છે, જેના કારણે બહારગામથી આવતા લોકો પાટણ આવવાનું ટાળી અન્ય શહેરોમાં જવા મજબૂર બન્યા છે. આના કારણે પાટણનો વિકાસ રૂંધાઈ રહ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.
ગુજરાતના રાજકારણમાં પાટણ જિલ્લામાંથી એક મોટો વિવાદ સામે આવ્યો છે. ભાજપના પૂર્વ મહામંત્રી અને હુડકોના ડિરેક્ટર કે.સી. પટેલ એ પાટણ જિલ્લામાં પોલીસ દ્વારા 'હપ્તા રાજ' ચલાવવામાં આવતું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, પાટણમાં પ્રવેશતા જ પોલીસ ખાનગી વાહનો પાસેથી હપ્તા ઉઘરાવે છે.
કે.સી. પટેલના સનસનીખેજ આરોપો:
કે.સી. પટેલે આક્ષેપ કર્યો છે કે, પોલીસના આ હપ્તા રાજને કારણે બહારગામથી આવતા ખાનગી વાહનો પાટણમાં પ્રવેશતા ડરે છે. પરિણામે, લોકો પાટણના સ્થાને અન્ય શહેરોમાં જવાનું પસંદ કરી રહ્યા છે. તેમના મતે, આ 'હપ્તા રાજ' ના કારણે પાટણનો વિકાસ રૂંધાઈ રહ્યો છે અને શહેરને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
પાટણ એસપીની પ્રતિક્રિયા:
કે.સી. પટેલના આ સનસનીખેજ આરોપો બાદ પાટણના પોલીસ અધિક્ષક (SP) એ તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. એસપીએ જણાવ્યું હતું કે, હપ્તા અંગે તેમને અત્યાર સુધી કોઈ સત્તાવાર રજૂઆત મળી નથી. જોકે, તેમણે ખાતરી આપી હતી કે, કે.સી. પટેલના નિવેદનને ધ્યાને લઈ આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે.
કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન:
ભાજપના નેતા દ્વારા જ કરવામાં આવેલા આ આરોપો પર કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ એ પણ નિવેદન આપ્યું છે. ડૉ. કિરીટ પટેલે કે.સી. પટેલના આરોપોને સમર્થન આપતા જણાવ્યું કે, પાટણ જિલ્લામાં વર્ષોથી આ 'હપ્તા રાજ' ચાલી રહ્યું છે. જોકે, તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, "કે.સી. પટેલ અત્યાર સુધી કેમ ચૂપ હતા? પાટણ પાલિકામાં ભાજપનું જ શાસન છે, તેમ છતાં કે.સી. પટેલ અત્યારે કેમ આવા મુદ્દા ઉઠાવે છે તે સમજાતું નથી."
ડૉ. કિરીટ પટેલે વધુમાં કહ્યું કે, કે.સી. પટેલે આ અંગે એસપી અને ગૃહ રાજ્યમંત્રીને કેમ રજૂઆત કરતા નથી? તેમણે આક્ષેપ કર્યો કે, દારૂ અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસ હપ્તા લે છે અને આ 'હપ્તા રાજ' માત્ર પાટણમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે.
આ મામલે રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે, કારણ કે શાસક પક્ષના જ નેતા દ્વારા કરવામાં આવેલો આ આરોપ પોલીસ તંત્ર અને સરકાર માટે શરમજનક સ્થિતિ ઊભી કરી શકે છે. હવે જોવું રહ્યું કે આ તપાસમાં શું સામે આવે છે અને પોલીસ દ્વારા આ મામલે કેવા પગલાં લેવાય છે.




















